જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની તૈયારી
પોલીસ બેડામાં રહી છે કડક અધિકારીની છાપ, હવે રાજકારણમાં નવા સમીકરણો સર્જાશે
ગાંધીનગરઃ પોલીસ વિભાગમાં કડક અને ઈમાનદાર અધિકારી તરીકેની છાપ ધરાવતા IPS અધિકારી મનોજ નિનામાએ સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. લાંબા સમય સુધી પોલીસ દળમાં સેવા આપ્યાં બાદ હવે તેઓ જાહેર જીવનમાં નવી શરૂઆત કરવા જઈ રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, મનોજ નિનામા ટૂંક સમયમાં સત્તાવાર રીતે કેસરીયો ધારણ કરી શકે છે.
રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મનોજ નિનામા પોતાના વતનમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પૂરજોશ તૈયારી કરી રહ્યાં છે.
મનોજ નિનામા પોલીસ વિભાગમાં વિવિધ મહત્વના હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. ખાસ કરીને ટ્રાફિક વિભાગમાં તેમની કામગીરી ખૂબ જ નોંધપાત્ર રહી હતી. વહીવટી અનુભવ ધરાવતા નિનામાની રાજકારણમાં એન્ટ્રીથી વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હાલમાં જ્યારે ભાજપ અને અન્ય પક્ષો દ્વારા નવા અને શિક્ષિત ચહેરાઓને પ્રાધાન્ય આપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે એક ઉચ્ચ પોલીસ અધિકારીની રાજકારણમાં એન્ટ્રી ખાસ ચર્ચાનો વિષય બની છે. જો ભાજપ તેમના નામ પર મ્હોર મારે છે, તો સ્થાનિક સ્તરે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આગામી દિવસોમાં પક્ષ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, જેના પર હવે સૌની નજર ટકેલી છે.