હોંગકોંગઃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન અમીરાત બોઇંગ 747 કાર્ગો વિમાન રનવે પરથી લપસી જતાં દરિયામાં ખાબક્યું હતું. જેમાં બે લોકોના મોત થયા અને ચાર ક્રૂ મેમ્બર ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
એમિરેટ્સ એરલાઇન્સનું બોઇંગ 747 કાર્ગો વિમાન લેન્ડિંગ દરમિયાન બેકાબૂ થઇ ગયું હતુ અને આ દુર્ઘટના બની હતી. હવામાન ખરાબ હોવાને કારણે લેન્ડિંગ દરમિયાન પ્લેન નજીકના દરિયામાં ખાબકયું હતુ અને બે લોકોનાં મોત થઇ ગયા હતા.
વિમાન લેન્ડિંગ વખતે રનવે પર પાર્ક કરેલા વાહન સાથે અથડાયું હતું. આ ટક્કર એટલી ભયાનક હતી કે, વિમાન દરિયામાં પડી ગયું હતું, અને થોડી જ વારમાં વિમાન પાણીમાં ડૂબ્યું હતુ. આ વિમાન અંદાજે 32 વર્ષ જૂનું હતું, તે અમીરાત માટે તુર્કી કાર્ગો કંપની AirACT દ્વારા સંચાલિત હતું. કાર્ગો ફ્લાઇટ દુબઈ અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરી હતી અને તેમાં કોઈ મુસાફરો ન હતા, ફક્ત ચાર ક્રૂ સભ્યો હતા.