પાંચ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં
રૂ. 5.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
સુરત: શહેરા પોશ એવા વેસુ વિસ્તારમાં પોલીસે એક હાઈ-પ્રોફાઇલ દારૂ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. વેસુ પોલીસ સ્ટેશનની ટીમે આગમ વર્લ્ડની સામે આવેલા મંગલમ પેલેસની 11માં માળ પર ચાલી રહેલી દારૂ પાર્ટી પર દરોડો પાડી 17 લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા લોકોમાં શહેરના વેપારીઓ, સરકારી કર્મચારીઓ અને અભ્યાસ કરતા યુવાનોનો સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, સુરત પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે વેસુ વિસ્તારના એક ફ્લેટમાં દારૂ પાર્ટી ચાલી રહી છે. માહિતી મળતાં જ વેસુ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફ્લેટનો દરવાજો ખટખટાવ્યો હતો. દરવાજો ખુલતાં જ પોલીસે ફ્લેટમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં 17 લોકો પાર્ટી કરતા મળી આવ્યાં હતા. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, સ્નેક્સ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા.
પોલીસને દરોડા દરમિયાન 750 મિલીલીટરની સ્કોચ વ્હિસ્કીની અડધી ભરેલી બોટલ મળી આવી હતી. ઉપરાંત, બે ખાલી બોટલો, 6 પ્લાસ્ટિકના ગ્લાસ, બિંગો ચિપ્સ, તીખી સેવ અને ગાંઠિયાના ત્રણ પેકેટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા. દારૂ, ખાલી બોટલો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત કુલ જપ્ત કરાયેલા માલસામાનની કિંમત રૂ, 5.18 લાખથી વધુ આંકવામાં આવી હતી.
પોલીસે તમામ 17 આરોપીઓને મેડિકલ તપાસ માટે સુરતની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. બ્રેથ એનાલાઇઝર ટેસ્ટમાં પાંચ લોકો -આદિત્ય રસિકભાઈ ગોસ્વામી, વિવેક સુરેશભાઈ મનાની, દીપેન પ્રતાપગીરી ગોસ્વામી, ભૈરવ અરુણકુમાર દેસાઈ અને દર્શન ભાવેશભાઈ ચોકસીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે બાકીના 12 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.