ઉત્તરપ્રદેશઃ હાથરસમાં ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગમાં 120 લોકોનાં મોત થઇ ગયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટના અંગે કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ દરમિયાન જે હકીકતો સામે આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. આ કેસની તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યાં અનુસાર અહીં હાજર ભક્તોએ બાબાના ચરણ સ્પર્શ કરવા માટે ધક્કા-મુક્કી કરતા ભીડ બેકાબૂ બની હતી અને આ અકસ્માત થયો હતો.
દરેક ભક્ત કોઈપણ રીતે બાબા સુધી પહોંચવા માંગતો હતો. જેના કારણે અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગને કારણે આ દુર્ઘટના બની હતી. જેમાં અત્યાર સુધીમાં 120 લોકોએ જીવ ગુમાવ્યાં છે, જ્યારે ઘણા લોકો હજુ પણ ગંભીર રીતે ઘાયલ છે. જેમની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
મુખ્ય સચિવે 24 કલાકમાં રિપોર્ટ માંગ્યો
આ ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે ADG અને કમિશનરને 24 કલાકમાં રિપોર્ટ સોંપવા કહ્યું છે. આ દુર્ઘટનાની જાણકારી મળતા જ મુખ્ય સચિવ અને ડીજીપી પ્રશાંત કુમાર ઘાયલોને મળવા પહોંચ્યાં હતા. આ પછી બંને અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
આયોજકોએ શરતોનું પાલન કર્યું ન હતું
આ દુર્ઘટનાને લઈને અત્યાર સુધી થયેલી તપાસ મુજબ એસડીએમએ આ સત્સંગના આયોજકોને શરતી પરવાનગી આપી હતી. પરંતુ અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આયોજકોએ વહીવટીતંત્ર દ્વારા મુકવામાં આવેલી શરતોને સ્વીકારી ન હતી. અમે આયોજકો સામે કડક કાર્યવાહી કરી રહ્યાં છીએ. મુખ્ય સચિવે કહ્યું કે હાલમાં અમારી પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે ઘાયલોને યોગ્ય અને સારી સારવાર મળે.
સહાયની જાહેરાત કરવામાં આવી છે
આ અકસ્માત બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સમગ્ર અકસ્માતની તપાસના આદેશ આપ્યાં છે. રાજ્ય સરકારે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો માટે સહાયની જાહેરાત કરી છે. સરકારે આ ઘટનામાં જીવ ગુમાવનારાઓને 2-2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાનું સહાય આપવામાં આવશે. સમાન રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે.
અંદાજે 80 હજારની ભીડ એકઠી થશે પરંતુ ભીડ ઘણી વધારે હતી
આ અકસ્માતની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આયોજકોએ વહીવટીતંત્રને કહ્યું હતું કે આ સત્સંગમાં લગભગ 80 હજારની ભીડ એકઠી થઈ શકે છે. તપાસમાં હવે જાણવા મળ્યું છે કે સત્સંગ દરમિયાન 80 હજારથી વધુ લોકો હાજર હતા. સત્સંગ દરમિયાન કોઈ અરાજકતા ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રે મંજૂરી આપતી વખતે કેટલીક શરતો રાખી હતી, જેનું પછીથી પાલન કરવામાં આવ્યું ન હતું. અને આયોજકોએ તેનું ઉલ્લંઘન કર્યું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/