- અમદાવાદ-રાજકોટ હાઈવે પર 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતાં બે લોકોનાં મોત થયા
- બંને અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ થયો
અમદાવાદઃ ગુજરાતમાં આજે બે મોટા હાઇવે પર અકસ્માતની ઘટના બની છે. જામનગર-ખંભાળિયા તથા અમદાવાદ-રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયા હતા.
અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભમાસરા ગામ નજીક રાજકોટથી અમદાવાદ આવતા આઈસર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. તે ડિવાઈડર કૂદી અન્ય વાહનો સાથે અથડાઈ હતી. આઈસર સીએનજી હોવાથી તેમાં આગ લાગી હતા. જ્યારે અન્ય ત્રણ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ અકસ્માતની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઇજાગ્રસ્તોને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માત સર્જાતા હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો.
ખંભાળિયા ધોરી માર્ગ પર આજે વહેલી સવારે સરમત ગામના પાટીયા પાસે બે ખાનગી લક્ઝરી બસ તેમજ બોલેરો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બોલેરો કારની અંદર બેઠેલી ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી, અને તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી જવા દેવાયા હતા. જામનગર થી મોટી ખાવડી તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસના ચાલકે એકાએક બ્રેક મારતાં તેની પાછળ આવી રહેલી બોલેરો કાર ધડાકાભેર બસની સાથે ટકરાઈ ગઈ હતી. ત્યારબાદ પાછળ આવી રહેલી બીજી ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર બોલેરો સાથે ટકરાતાં બોલેરોનો ભુક્કો વળી ગયો.આ અકસ્માતને લઈને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે લક્ઝરી બસમાં બેઠેલા કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી.
Also Read: અમદાવાદનું ઈસ્કોન મંદિર ફરી વિવાદમાં, જાણો શું છે મામલો