અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 26 તાલુકાઓમાં વરરસાદ પડ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું શરૂ થાય છે, પરંતુ આ વખતે ચોમાસું સમય પહેલાં પહોંચી ગયું છે.
રવિવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે, ગુજરાતમાં હાલ પ્રી-મોન્સુન એક્ટિવિટી ચાલી રહી છે, જેના કારણે હવામાનમાં પલટો આવી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહી શકે છે.
હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી 48 કલાકમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પહોંચી જશે. 10 જૂનથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. વાવાઝોડાની ગતિવિધિને કારણે હવામાન વિભાગે પવનની ઝડપ 30 થી 40 કિ.મી પ્રતિ કલાક ઝડપે ફૂંકાઇ તેવી શક્યતા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આજથી આગામી બે દિવસ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ છવાયો છે.
ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણમાં વલસાડ, દાદરા નગર હવેલી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડશે. જો કે, ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો હોવા છતા મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/