અમદાવાદ મનપા ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ પેટલની જીત
ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર-3માં કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડસમાનો પરાજય
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં 6 વાર ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે 1506 બેઠક જીતી છે. કોંગ્રેસને 303 અને અન્યોને 238 બેઠક મળી છે.
સલાયા નગરપાલિકાના પરિણામ ભાજપ માટે ચોંકાવનારા રહ્યાં હતા. 7 વોર્ડની 28 બેઠકોના જાહેર થયેલા પરિણામમાં ભાજપનાં સૂપડાં સાફ થઈ ગયા હતા. ભાજપને એક પણ બેઠક ન મળી હતી. કૉંગ્રેસને 15 બેઠક મળી હતી, જ્યારે આમ આદમી પાર્ટીને 13 બેઠક મળી હતી. સલાયા રાજ્યના પ્રવાસન પ્રધાન મુળુભાઈ બેરાના વિસ્તારમાં આવતું હોવાથી પરિણામો જાહેર થયા બાદ ભાજપમાં સન્નાટો છવાઈ ગયો હતો.
જૂનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી ભાજપના ફાળે 48 બેઠક આવી હતી. કોંગ્રેસે 11 બેઠક પર જીત હાંસલ કરી હતી. વોર્ડ નંબર નવમાં અપક્ષનો વિજય થયો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાં 60 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપની જીત થઈ છે. રાજુલા અને જાફરાબાદમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા હતા. આ સિવાય જામજોધપુરની 28 બેઠકમાંથી 27માં ભાજપે જીત હાંસલ કરી છે અને એક બેઠક આમ આદમી પાર્ટીને મળી હતી. પાટણ જિલ્લાના ચાણસ્મા નગર પાલિકાની બેઠકમાં પરષોત્તમ પટેલને ભાજપે સસ્પેન્ડ કર્યાં હતાં. બાદમાં તેઓએ અપક્ષ તરીકે ચૂંટણી લડી અને હવે જીત હાંસલ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++