ગુજરાતમાં પણ IAS પૂજા ખેડકર જેવું કૌભાંડ? રાજ્ય સરકારે 4 વિકલાંગ IASના કેસમાં શરૂ કરી તપાસ

08:10 PM Jul 20, 2024 | gujaratpost

પૂજા ખેડકરનું અપંગતાનું સર્ટિફિકેટ નકલી હોવાનું આવ્યું સામે

ખોટી રીતે હવે આઇએએસ બનવાના કિસ્સા આવ્યાં સામે

ગાંધીનગરઃ મહારાષ્ટ્રની પ્રખ્યાત ટ્રેઇની IAS પૂજા ખેડકરની છેતરપિંડી સામે આવ્યાં બાદ ગુજરાત સરકારે ચાર IAS અધિકારીઓ સામે તપાસ શરૂ કરી છે. ગુજરાત કેડરના આ તમામ અધિકારીઓ વિકલાંગતા પ્રમાણપત્રની મદદથી IASમાં પસંદગી પામ્યાં છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ચાર IAS સામે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાંથી ત્રણ જુનિયર અને એક સિનિયર અધિકારી છે. પૂજા ખેડકર વિવાદ બાદ ગુજરાત સરકાર આ મામલે ઘણી સતર્ક દેખાઈ રહી છે.

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો

મુખ્યમંત્રી કાર્યાલયે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં કોઈ કચાસ ન રાખવાનો આદેશ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ બાદ ચાર આઈએએસ અધિકારીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમના વિકલાંગતા પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવી રહી છે. એક વરિષ્ઠ IAS અધિકારીએ ડિસેબિલિટી સર્ટિફિકેટ જમા કરાવ્યું હતું, પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ઓફિસરને હાલમાં કોઈ વિકલાંગતા નથી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં અનુસાર આ કેસમાં એવી સંભાવના છે કે સંબંધિત અધિકારીએ જ્યારે તેમની સેવા શરૂ કરી ત્યારે તે વિકલાંગતાથી પીડિત હોઈ શકે છે, જે સમય જતાં ઠીક થઈ ગયો હશે, પરંતુ સંપૂર્ણ તપાસ પછી જ સત્ય જાણવા મળશે.

રિપોર્ટ યુપીએસસીને સબમિટ કરવામાં આવશે

બાકીના ત્રણ જુનિયર અધિકારીઓએ તેમના લોકોમોટિવ ડિસેબિલિટી સર્ટિફિકેટ્સ સબમિટ કર્યાં હતા, આ એક અધિકારીને હવે તેના હાથ અથવા પગ વાળવામાં કોઈ મુશ્કેલી નથી. એક જુનિયર ઓફિસર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના પર્સનલ સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો પોસ્ટ કરતા રહે છે. હાલમાં જે ચાર અધિકારીઓ ડિસેબિલિટી સર્ટિફિકેટના કારણે સરકારના ધ્યાને આવ્યાં છે, જો તેમના સર્ટિફિકેટ નકલી જણાશે તો સરકાર તેની જાણ યુપીએસસીને કરશે.

UPSC અધ્યક્ષે પોતાનું પદ છોડી દીધું

UPSCના અધ્યક્ષ મનોજ સોનીએ પણ UPSCની પ્રતિષ્ઠા પર સવાલો ઉઠાવવાનો મામલો પ્રકાશમાં આવ્યાં બાદ તેમનો કાર્યકાળ પૂરો થવાના પાંચ વર્ષ પહેલા રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું છે.

મનોજ સોની 16 મે 2023 ના રોજ UPSC ના અધ્યક્ષ બન્યાં હતા અને તેમનો કાર્યકાળ સમાપ્ત થતા પહેલા તેમણે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. પરંતુ સરકારે હજુ સુધી નવા UPSC અધ્યક્ષના નામની જાહેરાત કરી નથી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526