ગાંધીનગરઃ ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના દૂષણ મુદ્દે પોલીસ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ વિવાદમાં હવે આમ આદમી પાર્ટી (AAP) પણ જોડાઈ છે. AAPએ જીગ્નેશ મેવાણીની પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાતને સમર્થન આપ્યું છે.
AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મેદાને આવીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર મોટા ખુલાસા કર્યા છે. ઇટાલિયાએ કહ્યું કે હર્ષ સંઘવી સત્તામાં છે એટલે મોટી વાતો કરે છે, પણ તેમના સંસ્કારોની હકીકત અલગ છે. સપ્ટેમ્બર 2013માં, જ્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે જાહેર કરાયા ત્યારે, હર્ષ સંઘવી (તત્કાલીન ધારાસભ્ય) અને અન્યોએ જાહેર રસ્તા પર ફટાકડા ફોડ્યાં હતા. લોકોની ફરિયાદ પર ઘટનાસ્થળે પહોંચેલા PSI સાથે હર્ષ સંઘવીએ કથિત રીતે મારામારી કરી અને અપશબ્દો કહ્યાં હતા, જેના કારણે તેમની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં FIR (પ્રથમ માહિતી અહેવાલ) દાખલ થઈ હતી.
જો કે, ઇટાલિયાનો દાવો છે કે FIR નોંધાયા બાદ તત્કાલીન PSI અને તપાસ અધિકારી PIની બદલી કરી દેવાઈ હતી. ત્યારબાદ કેસમાંથી મારામારી સહિતની ગંભીર કલમો દૂર કરી દેવામાં આવી અને માત્ર જાહેરનામા ભંગનો સામાન્ય ગુનો જ રાખવામાં આવ્યો હતો. ઇટાલિયાએ કહ્યું કે આ કેસની વિગતો આજે પણ સરકારી વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે 2019માં જ્યારે હર્ષ સંઘવી ધારાસભ્ય હતા, ત્યારે સિવિલ હોસ્પિટલમાં એક સરકારી કર્મચારીને તેમણે કથિત રીતે ધમકી આપી હતી કે, મારી સામે હોંશિયારી કરતો નહીં, નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશ.
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, હર્ષ સંઘવીએ સરકારી કર્મચારીને ટાંટિયા તોડી નાખવાની ગંભીર ધમકી આપી હતી, જ્યારે જીગ્નેશ મેવાણીએ ફક્ત પટ્ટા ઉતરી જશે જેવી સામાન્ય વાત કરી છે. ઇટાલિયાના મતે, સંઘવીએ સંસ્કારની વાત કરવી ન જોઈએ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/