સી.આર.પાટીલ વિરુદ્ધ સૌરાષ્ટ્રમાં મોરચો તૈયાર થઇ રહ્યો છે ! સંઘાણીના કાર્યક્રમમાં ફળદુએ કહ્યું રાદડિયાએ તો વટ પાડી દીધો

01:31 PM May 13, 2024 | gujaratpost

અમરેલીઃ ઇફ્કોમાં ચેરમેન બનેલા દિલીપ સંઘાણીએ ગઇકાલે પોતાના 71 માં જન્મદિવસે અનેક પાટીદાર નેતાઓને ભેગા કર્યાં હતા, આ ઉજવણી એક રીતે શક્તિ પ્રદર્શન પણ બની ગઇ, અહીં પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, અમરેલીના સાંસદ નારણ કાછડિયા, પરસોત્તમ રૂપાલા સહિતના અનેક પાટીદાર નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ઇફ્કોની ચૂંટણીમાં જય રાદડિયાએ વટ પાડી દીધો, વિરોધીઓની બોલતી બંધ

ગૃહમંત્રી અમિત શાહના ખાસ બિપિન પટેલને ઇફ્કોની ચૂંટણીમાં ઘરભેગા કરનારા જયેશ રાદડિયાની વાહ વાહી થઇ હતી, આર.સી.ફળદુએ સ્ટેજ પકથી કહ્યું કે રાદડિયા તમે તો વટ પાડી દીધો, તેમને એક રીતે અમિત શાહના નજીકના નેતાની હારની ઉજવણી કરી કહી શકાય, રાદડિયાએ 180 માંથી 114 મત મેળવ્યાં હતા, બિપીન પટેલને 66 મતો મળ્યાં હતા.સંઘાણીએ પણ અગાઉ કહ્યું હતું કે હું કોઇનાથી ડરતો નથી, પાટીલના ઇલુ ઇલુવાળા નિવેદનનો જવાબ આપ્યો હતો. પાટીલે સહકારી માળખામાં ચૂંટણીઓમાં મેન્ડેટ પ્રથા દાખલ કરી હતી, તેનો પણ આ નેતાઓએ વિરોધ કર્યો છે. રાદડિયાએ મેન્ડેટનો અનાદર કરીને ચૂંટણી જીતી છે.

પાટીલ વિરોધી નેતાઓ એક મંચ પર !

સંઘાણીના 71 માં જન્મદિવસની ઉજવણીમાં અમરેલીમાં અનેક નેતાઓ હાજર હતા, જેમાં સાંસદ નારણ કાછડિયા પણ હાજર હતા, તેમને ભરત સુતરિયાની ટિકિટનો વિરોધ કરીને ભાજપ સામે બળવો કર્યો છે, ભાજપમાં પાટીલના આવ્યાં પછી ભરતી મેળો થયો અને તેમાં કોંગ્રેસમાંથી આવેલાઓ ફાવી ગયા છે, ભાજપના જૂના કાર્યકરો ખુરશીઓ સાફ કરતા રહ્યાં, આ ચર્ચાઓ ખુદ ભાજપના કાર્યકરો કરી રહ્યાં છે.

પહેલાથી જ પાટીલની કાર્યશૈલીથી અનેક નેતાઓ નારાજ હતા અને હવે નારાજગી વધી રહી છે. ઇફ્કોની ચૂંટણીમાં પણ નવી રાજનીતિ જોવા મળી છે, મેન્ડેટનો અનાદર કરવો યોગ્ય નથી તેવું નિવેદન પાટીલે આપ્યું હતુ, સામે સંઘાણીએ કહ્યું કે પહેલા સહકારી માળખામાં મેન્ડટ હતું જ નહીં. હવે એક પછી એક નેતાઓ પાટીલ સામે મોરચો ખોલી રહ્યાં છે, દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા, ફળદુ, નારણ કાછડિયા સહિતના નેતાઓના શબ્દો પરથી બળવો સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. અત્યાર સુધી પાટીલ રાદડિયાનું કંઇ ઉખાડી શક્યા નથી, નારણ કાછડિયાએ ભાજપને દ્રોહ કરનારી પાર્ટી કહી દીધી છે છંતા પાટીલ ચૂપ બેઠા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526