+

DGGI એ 800 કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડમાં જામનગરના જાણીતા ઉદ્યોગપતિની ધરપકડ કરી- Gujarat Post

અમદાવાદ: ડાયરેક્ટર જનરલ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI) એ સપાટો બોલાવ્યો હતો. DGGI એ રાજ્યવ્યાપી દરોડા પાડીને ₹800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ તપાસનો રેલો જામનગર સુધી પહોંચ્યો હતો,

અમદાવાદ: ડાયરેક્ટર જનરલ ઑફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI) એ સપાટો બોલાવ્યો હતો. DGGI એ રાજ્યવ્યાપી દરોડા પાડીને ₹800 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ તપાસનો રેલો જામનગર સુધી પહોંચ્યો હતો, જ્યાં બ્રાસપાર્ટના જાણીતા ઉદ્યોગપતિની ધરપકડ થઇ છે.

DGGI ની તપાસમાં સામે આવ્યું છે કે, જામનગરની પટેલ મેટલ કાસ્ટ એલએલપી ના ભાગીદાર જયદીપ મુકેશભાઈ વિરાણી આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો પૈકીના એક છે. તેમણે આર્થિક ફાયદો મેળવવા 40 જેટલી બોગસ પેઢીઓ ઊભી કરી હતી. માત્ર ₹ 22 કરોડના વાસ્તવિક વ્યવહાર સામે, તેમણે ₹121 કરોડના બોગસ બિલો બનાવીને સરકારી તિજોરીને મોટો ચૂનો લગાવ્યો હતો. દરોડા દરમિયાન ચેકબુકો, દસ્તાવેજો, મોબાઇલ ફોન અને કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

DGGI ના અમદાવાદ ઝોનલ યુનિટને મળેલી બાતમીને આધારે ભાવનગર, મુંબઈ, ચંદ્રપુર અને રાજકોટમાં ગુપ્ત રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદથી બદ્રે આલમ પઠાણ અને તૌફિક ખાનની ધરપકડ કરવામાં આવી હતી. તૌફિક ખાને કોઈ પણ માલની ખરીદી કર્યા વિના ₹45 કરોડના નકલી બિલો મેળવી ખોટી વેરાશાખ મેળવી હતી.

અન્ય એક કેસમાં, જૂનાગઢની ભારત સેનેટરી એન્ડ ફિટિંગના ભાગીદાર હાર્દિક સંજયભાઈ રાવલની ધરપકડ થઈ હતી. તેમણે 47 નકલી કંપનીઓ દ્વારા ₹110.57 કરોડના બોગસ બિલોને આધારે ₹28.02 કરોડની ખોટી વેરાશાખ મેળવી હતી.

તપાસ અધિકારીઓના જણાવ્યાં મુજબ, આ કૌભાંડીઓ સક્રિય GST નંબર ધરાવતી પણ નિષ્ક્રિય હોય તેવી કંપનીઓ ખરીદી લેતા હતા. ત્યારબાદ તેના ડિરેક્ટરો અને સરનામા બદલી નાખીને મોટાપાયે નકલી બિલો બનાવતા હતા. આ કૌભાંડમાં હવાલા અને રોકડ વ્યવહારો દ્વારા નાણાંની હેરફેર કરવામાં આવતી હતી. DGGI દ્વારા સઘન પૂછપરછ ચાલી રહી છે અને આગામી દિવસોમાં અન્ય મોટા નામો પણ ખૂલવાની શક્યતા છે.

facebook twitter