આ પોર્ટ તો લૂંટના કેન્દ્રો બન્યાં છે... કોંગ્રેસે મુદ્રા, હજીરા અને દહેજ પોર્ટને લઇને અદાણી અને ભાજપ સરકારની મિલીભગતનો કર્યો પર્દાફાશ

08:53 AM Sep 27, 2024 | gujaratpost

(ફાઇલ ફોટો)

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમય કોંગ્રેસ અદાણી અને પીએમ નરેન્દ્ર મોદીને તેમની વચ્ચેના સંબંધોને લઇને સવાલ કરી રહી છે, હવે કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે સોશિયલ મીડિયા X પર ભાજપ સરકાર અને અદાણીની મિલીભગતને લઇને ખુલાસો કર્યો છે. તેમને કહ્યું કે ગુજરાતમાં અદાણી જૂથની માલિકીના મુદ્રા, હજીરા અને દહેજ પોર્ટને ફાયદો પહોંચાડવામાં ગોલમાલ થઇ રહી છે અને અદાણી જૂથ વિરૂદ્ધ તપાસ માટે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીની રચના થવી જોઇએ.

ગુજરાતમાં અદાણી પોર્ટ્સને 75 વર્ષ માટે મુંદ્રા, હજીરા અને દહેજ પોર્ટનો કંટ્રોલ આપવાનો માર્ગ મોકળો કર્યો હોવાના આરોપો સાથે બૂટ (બિલ્ડ-ઓપરેટ-ઓન-ટ્રાન્સફર-BOOT) લૂંટનું કેન્દ્ર બન્યું હોવાનો દાવો કર્યો છે. રમેશે X પર પોસ્ટ કરતા કહ્યું કે ગુજરાત સરકારમાં પોર્ટ ક્ષેત્રે અદાણી પોર્ટનો જ એકાધિકાર છે. ગુજરાત સરકાર ખાનગી પોર્ટ્સને BOOTને આધારે 30 વર્ષની છૂટ આપે છે. બાદમાં તેની માલિકી ગુજરાત સરકારને સોંપવામાં આવે છે. આ મોડલના આધારે અદાણી જૂથ મુદ્રા, હજીરા અને દહેજ પોર્ટ્સનું નિયંત્રણ કરે છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલાં અદાણી પોર્ટ્સે ગુજરાત મરિટાઈમ બોર્ડ (જીએમબી) સમક્ષ આ છૂટની મર્યાદા 30 વર્ષથી લંબાવી 75 વર્ષ કરવા માગ કરી હતી.

Trending :

સરકાર આવી રીતે અદાણીને કરે છે મદદ

ગુજરાત મેરિટાઈમ બોર્ડે 12 માર્ચ, 2024ના રોજ બેઠક કરીને પોર્ટના સંચાલન માટે વધુ બીડ્સ મંગાવ્યાં હતા. હાલના ઓપરેટર અદાણી પોર્ટ્સ સાથે નાંણાકીય બાબતો મુદ્દે ફરીથી ચર્ચા કરવા તથા પોર્ટના વિકાસ અને સંચાલન માટે રેટ સ્ટ્રક્ચરમાં ફેરફારની ભલામણો કરી હતી. તેના થોડા દિવસ બાદ ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ અને મુખ્યમંત્રીએ જીએમબીની ભલામણો રદ કરી દીધી હતી, જેને કારણે અદાણી પોર્ટ્સની 75 વર્ષની માંગનો માર્ગ મોકળો થઇ ગયો, એક રીતે અહીં પણ અદાણીને મદદ કરવામાં આવી છે.

જયરામ રમેશે કહ્યું છે કે આ ધોળા દિવસે કરવામાં આવેલી લૂંટથી બે ગંભીર પરિણામો આવશે. એક અદાણી પોર્ટ્સ ગુજરાતના પોર્ટ સેક્ટર પર મજબૂત એકાધિકાર હાંસલ કરશે, જેનાથી માર્કેટમાં પ્રતિસ્પર્ધાને નુકસાન થશે. બીજું સામાન્ય પ્રજા માટે મોંઘવારી વધશે. અદાણી પોર્ટ્સનું મૂલ્યાંકન વધશે અને ઉધાર લેવાનો ખર્ચ ઘટશે. જેનાથી ગુજરાત સરકારની આવકમાં પણ કરોડો રૂપિયાનું નુકસાન થશે. સાથે જ તેમને દાવો કર્યો છે કે કેટલીક બાબતોને લઇને કોઇ અધિકારીની બદલી પણ કરી નાખવામાં આવી હતી. એક રીતે અહીં અદાણીને મદદ કરવા માટે અને મોટા મોટા કોન્ટ્રાક્ટ આપવા માટે સરકાર પ્રજાનું હીત પણ નથી જોતી તેવા આરોપ કોંગ્રેસે લગાવ્યાં છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526