અમદાવાદઃ રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીના આંકડા જાહેર કરીને કોંગ્રેસે રાજ્યની ચૂંટણીઓમાં 14 ટકા જેટલા વોટની ચોરી થતી હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસે SIRની કામગીરીના જે આંકડા જાહેર કર્યા છે તે મુજબ મૃત્યુ પામેલા મતદારો: 1,80,305 છે. જ્યારે ઓળખ ન થઈ હોય તેવા મતદારો 10,10,243 અને કાયમી સ્થળાંતર થયેલા મતદારોની સંખ્યા 40,37,187 છે. કુલ 74,29,285 મતદારોના ફોર્મ જમા ન થયા હોવાનું સામે આવ્યું છે, જેના પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે, SIRની કામગીરી દરમિયાન 8 BLO (બૂથ લેવલ ઓફિસર) ના મોત થયા છે. તેમણે દાવો કર્યો છે કે 74 લાખથી વધુ વોટની ચોરી રાજ્યની તમામ ચૂંટણીઓમાં થઈ છે. કોંગ્રેસે ડુપ્લીકેટ મતદારોને શોધીને તેમની યાદી જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે.
અમિત ચાવડાએ કહ્યું કે, ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યની ચૂંટણીઓમાં 14 ટકા જેટલા, એટલે કે 74 લાખ કરતાં વધુના વોટની ચોરી થાય છે. તેમણે કહ્યું કે, જે લોકોનું મૃત્યુ થયું છે, જેની ઓળખ થઈ નથી, કે જેનું સ્થળાંતર થયું છે, તે તમામના વોટ રાજ્યની અલગ- અલગ ચૂંટણીઓમાં નાખવામાં આવ્યાં છે.
કોંગ્રેસે દાવો કર્યો છે કે જે લોકો હયાત નથી તેમની સહી કરીને તેમના ફોર્મ પણ BLOને સોંપવામાં આવ્યાં છે, જેની તપાસ થવી જોઈએ. વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસ દ્વારા 14 ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં વોટ ચોર ગાદી છોડના નારા સાથે મહારેલી યોજાશે.
દિલ્હીમાં યોજાનારી આ મહારેલીમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત દેશભરમાંથી અને ગુજરાતમાંથી કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ અને નાગરિકો હાજર રહેશે. કોંગ્રેસ આ મહારેલી દ્વારા સરકાર સામે વોટ ચોરીના મુદ્દે અવાજ ઉઠાવશે. જો કે ભાજપે વોટ ચોરીના આક્ષેપો ફગાવી દીધા છે.