અમદાવાદઃ બીઝેડ કૌભાંડ કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા એક મહિના બાદ ઝડપાયો હતો. પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.. જે રિમાન્ડ પૂર્ણ થતા ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે ફરી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સીઆઈડી ક્રાઈમે ઝાલાના 6 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિરૂદ્ધમાં 27મી નવેમ્બર 2024ના રોજ ફરીયાદ દાખલ થઈ હતી. ત્યારથી આરોપી મધ્ય પ્રદેશ બગલામુખી ખાતે ગયો હતો ત્યાંથી પોતાના ફોન સ્વીચ ઓફ કરીને રાજસ્થાનમાં 15 દિવસ રોકાયો હતો. ત્યારબાદ તેના અન્ય સાગરીતનો સંપર્ક કરી મહેસાણા જિલ્લાના દવાડા ગામ ખાતે ફાર્મ હાઉસ પર આશરે 14 દિવસ રોકાયો હતો.
સીઆઈડી ક્રાઈમની તપાસમાં 62 શિક્ષકો પણ મહાઠગની માયાજાળમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત સીઆઈડી ટીમ દ્વારા દુકાન માલિકનું ફરીથી નિવેદન લેવામાં આવ્યું છે. દુકાનમાં કોની અવર જવર હતી, કેટલા વાગે દુકાન ખુલતી અને બંધ થતી તેની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. પ્રાંતિજમાં બીઝેડ ગ્રુપની જે જગ્યાએ ઓફિસ આવેલી છે તેની આસપાસની દુકાનોના માલિકના પણ નિવેદન લેવામાં આવ્યા હતા.
પરિક્ષીતા રાઠોડે ( ડી.આઇ.જી. સીઆઇડી ક્રાઇમ) પત્રકાર પરિષદ યોજી અનેક રહસ્યો પરથી પડદો ઉંચક્યો હતો. બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા પૂછપરછમાં રોકાણની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રોકાણકારોની વિગતો ઓનલાઇન વેબસાઇટ BZTRADE.in ઉપર રોજેરોજ એન્ટ્રીઓ કરવામાં આવતી હતી. આ BZTRADE.inના ડેટા મેળવતા BZ ગ્રૂપમાં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગત મળી આવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++