(ફાઇલ ફોટો)
અમરેલીઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતુ કે સહકારી સંસ્થાઓમાં તેમના નેતાઓ ઇલુ ઇલુ કરી રહ્યાં છે, એટલે કે વિરોધી કોંગ્રેસ જેવી પાર્ટીઓના સહયોગથી સંસ્થાઓમાં વર્ષો સુધી કબ્જો કરીને બેસી જાય છે. જેથી જ ભાજપ સહકારી સંસ્થાઓમાં ચૂંટણીમાં મેન્ડેટ લાવી હતી. જેની સામે હવે પાટીલ કરતા ભાજપના સિનિયર નેતા અને ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી ફરીથી પ્રહાર કર્યો છે. તેમના આ શબ્દો પાટીલે પણ સાંભળવા જોઇએ.
એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂંમાં દિલીપ સંઘાણીએ કહ્યું કે સહકારી સંસ્થાઓ ઇલુ ઇલુથી નહીં પણ સહકાર અને જનભાગીદારીથી ચાલે છે, જેનાથી લાખો ખેડૂતોનું હિત થાય છે અને સહકારી સંસ્થાઓએ કામ કરી પણ બતાવ્યું છે. ભાજપના નેતાઓ પર ખુલ્લેઆમ બોલનારા સહકારી નેતા સંઘાણી પર હવે ગુજકોમાલોસમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે અને એક લેટર વિરોધીઓએ વાઇરલ કર્યો છે. તેના પર સંઘાણીએ કહ્યું કે આ લેટર જૂનો છે.મારા વિરોધીઓ આ ષડયંત્રો કરી રહ્યાં છે, બીજી તરફ ઇફ્કોના ડાયરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા સામે હારેલા બિપીન પટેલે કહ્યું હતું કે સંઘાણી વિધાનસભાની ચૂંટણી પણ જીતી શક્યા ન હતા.
હવે વિરોધી જૂથ સંઘાણી અને જયેશ રાદડિયા સામે સક્રિય થયું છે, અમરેલીમાં સંઘાણીના જન્મદિવસ પર યોજાયેલા સમારોહમાં ભાજપના પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, જયેશ રાડદિયા, પરસોત્તમ રૂપાલા, સાંસદ નારણ કાછડિયા, પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ સહિતના અનેક નેતાઓ ભેગા થયા હતા, આ તમામે એક રીતે પાટીલ સામે મોરચો જ ખોલી દીધો છે. ભાજપમાં નેતાઓ હવે પાટીલની કામ કરવાની પદ્ધતિથી નારાજ છે.
હવે આગામી સમયમાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપ હાઇકમાન્ડ આ તમામ મામલે કોઇ કાર્યવાહી કરી શકે છે, કારણ કે ગુજરાતમાં ભાજપના નેતાઓ હવે બળવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે. પાટીલની મનમાણી સામે હવે બળવાના એંધાણ દેખાઇ રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526