સાબરકાંઠા: હિંમતનગર ખાતે આજે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. હિંમતનગર GIDC નજીક આવેલા ઓવરબ્રિજ પર સમારકામની કામગીરી દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા એક ટ્રક ટ્રેલરે રોડ રોલરને ટક્કર મારતાં, એક એન્જિનિયર સહિત ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.
આ દુર્ઘટના એવા સમયે સર્જાઈ જ્યારે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગર-ચિલોડા હાઈવેના નિરીક્ષણ માટે આજે આવવાના હતા. આ મહત્ત્વના આગમનને લઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા હાઈવે પરની ક્ષતિઓ દૂર કરવા માટે યુદ્ધના ધોરણે રાત-દિવસ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત જ GIDC ઓવરબ્રિજ પર રોડ રોલર વડે મરામત ચાલી રહી હતી.
વહેલી સવારે જ્યારે હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના કર્મચારીઓ અને એન્જિનિયર રોડ રોલર વડે કામ કરી રહ્યાં હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટ્રેલર સીધું જ રોડ રોલર સાથે ભયાનક રીતે અથડાયું.
ટક્કર એટલી જોરદાર હતી કે રોડ રોલર અને ટ્રેલર બંને પલટી ખાઈ ગયા હતા. આ અકસ્માતમાં રોડ રોલર અને ટ્રેલરની નીચે કચડાઈ જવાથી ત્રણ શ્રમિકો અને કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયરનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.
અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જે હાઈવેને સુરક્ષિત બનાવવા માટે કામગીરી ચાલી રહી હતી, તે જ કામગીરી ચાર જિંદગીઓ માટે કાળ બની ગઈ, જેના કારણે સમગ્ર તંત્રની કામગીરી અને હાઈવેની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે.