+

કપડવંજના બેટાવાડાના કરોડો રૂપિયાના બ્રિજમાં ગુણવત્તાનું ધ્યાન કેમ નથી આપતા અધિકારીઓ, શું આ કમિશનબાજીનો મોટો ખેલ છે ?

(આ ફોટો 4 દિવસ પહેલાનો છે જેમાં કારીગરના માથે હેલ્મેટ પણ નથી) બ્રિજમાં ટેન્ડરની શરતોનો ભંગ, નાયબ કાર્યપાલ ઇજનેર શું કરી રહ્યાં છે ? અગાઉ બ્રિજ તૂટવાથી અનેક લોકોનાં મોત થયાના કિસ્સા છે, છંતા અધિક

(આ ફોટો 4 દિવસ પહેલાનો છે જેમાં કારીગરના માથે હેલ્મેટ પણ નથી)

બ્રિજમાં ટેન્ડરની શરતોનો ભંગ, નાયબ કાર્યપાલ ઇજનેર શું કરી રહ્યાં છે ?

અગાઉ બ્રિજ તૂટવાથી અનેક લોકોનાં મોત થયાના કિસ્સા છે, છંતા અધિકારીઓ બેદરકાર જ છે !

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જ કામોમાં ગોલમાલ થઇ રહી છે

ખેડાઃ અંદાજે બે વર્ષ સુધી કપડવંજથી બેટાવાડાનો જર્જરિત બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને બ્રિજ તોડ્યાં પછી હવે તેનું કામ શરૂ કરાયું છે, આ બ્રિજ પર અવર જવર બંધ કરાયા બાદ 20 જેટલા ગામોના લોકોને બે વર્ષથી હેરાનગતિ થઇ, ડાયવર્જન આપ્યાં બાદ અંદાજે 3 કિ.મી ફરીને મુસાફરોએ જવું પડતું હતુ, જો કે હવે આ બ્રિજની કામગીરી શરુ કરી દેવામાં આવી છે અને ડાયવર્જન પણ પાસે જ બનાવી દેવાયું છે.પરંતુ બ્રિજની કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉભા થઇ રહ્યાં છે.

બ્રિજના કામમાં ગુણવત્તા પર સવાલો, ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરો 

કપડવંજ તાલુકાના બેટાવાડા ગામમાં બે જિલ્લાઓને જોડતા બ્રિજનું કામ હલકી ગુણવત્તાનું થઇ રહ્યું છે, અહીં પાઇલ ફાઉન્ડેશનનું સ્ટ્રક્ચર 6 એમએમની જગ્યાએ 5 અથવા 4.50 એમએમનું હોવાનું સામે આવ્યાં બાદ નાયબ કાર્યપાલ ઇજનેર સુનિલ કિશોરીને ભાજપના જ કોઇ નેતાએ ફરીયાદ કરી અને તાત્કાલિક આ સ્ટ્રક્ચર બદલી નાખવામાં આવ્યું, જો કે કોઇ જાગૃત નાગરિક કે નેતા જ્યાં સુધી આવા અધિકારીઓની આંખો ન ખોલે ત્યાં સુધી આવા અધિકારીઓ શાંતિથી પોતાની ખુરશી પર બેઠા હોય છે. આ બ્રિજમાં પહેલા જ બે પાઇલ ફાઉન્ડેશન સ્ટ્રક્ચર નિયમોનું ઉલ્લંઘન કરીને પાયામાં નાખી દેવામાં આવ્યાં છે, તેનો જવાબ જો આ અધિકારી નહીં આપે તો તે ઉચ્ચ કક્ષાથી જવાબ માંગવામાં આવશે. તેવું ભાજપના જ નેતાએ જણાવ્યું છે. 

રાતના સમયે કામ થાય છે તો અધિકારી કે કર્મચારી કેમ હાજર નથી હોતા ?

આ બ્રિજનું કામ રાત્રે ચાલુ હોય છે, પરંતુ કોઇ અધિકારીઓ કે કર્મચારીઓ તેનું નિરીક્ષણ કરવા આવતા હોય તેવું અમારા ધ્યાનમાં નથી આવ્યું, અહીં રાતના સમયે કોઇ પણ પ્રકારનું હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ વાપરી નાખવામાં આવે તો પણ ખબર ન પડે, રેતીમાં માટીનું પ્રમાણ વધારે હોય તો પણ રાતના સમયે અંધારામાં આ ગોરખધંધા થઇ શકે છે, સાથે જ આ અધિકારીઓ- કર્મચારીઓ ડ્યૂટી પર કેટલા વાગ્યે આવે છે તેની તાત્કાલિક તપાસ થવી જોઇએ. કારણ કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક અધિકારીઓ ઓફિસમાં કે સાઇટ પર હોતા નથી, તો આખરે સરકારનો પગાર ખાનારા આ બાબુઓ શું કરી રહ્યાં છે ???

બ્રિજની કામગીરીને લઇને ઉભા થઇ રહ્યાં છે અનેક સવાલો

બેટાવાડા વરાંસી નદી પર અંદાજે ₹7.50 કરોડના ખર્ચે બની રહેલા હાઈ-લેવલ બ્રિજનું નિર્માણ વિવાદોના વંટોળમાં છે. સરકારી નાણાંનો ધુમાડો અને જનતાના જીવ સાથે ચેડાં થતા હોય તેવી સ્થિતિ દેખાય છે. ચોંકાવનારી વિગતો એ છે કે, બ્રિજના પાયા (પાઇલ ફાઉન્ડેશન) જેવા અતિ મહત્વના કામ વખતે માર્ગ અને મકાન વિભાગના જવાબદાર એન્જિનિયરો દિવસે પણ સાઇટ પર દેખાતા નથી. જેને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. નાયબ કાર્યપાલક ઈજનેર સુનિલ કિશોરી, કપડવંજ માર્ગ અને મકાન પેટા વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યાં છે.

ગુજરાત પોસ્ટ ન્યૂઝના સવાલો 

પાયામાં જ પાપ જ ? RQD ટેસ્ટ વગર કામની ઉતાવળ કેમ કરવામાં આવી ?

પાઇપ ડ્રિલિંગ દરમિયાન અંદાજે 12 મીટરની ઊંડાઈએ મજબૂત ખડક આવી ગયો હોય તો નિયમો મુજબ, જ્યારે નિર્ધારિત ઊંડાઈ પહેલા પથ્થર આવે ત્યારે તેનો RQD (Rock Quality Designation) ટેસ્ટ કરાવવો જોઇએ, ઉચ્ચ અધિકારીને આ વાતની લેખિતમાં આ જાણ કરી કે નહીં ?

પાઇલ ફાઉન્ડેશન જેવા ક્રિટિકલ તબક્કે સરકારી એન્જિનિયરની હાજરી અનિવાર્ય છે, તો શું એન્જિનિયરોએ ઓફિસે બેઠા-બેઠા જ વર્ચ્યુઅલ સુપરવિઝન કરવાનું નક્કી કર્યું છે ? 

શું 12 મીટરે પથ્થર આવતા બાકીના 8 મીટરના સળિયા અને કોંક્રિટની ચોરી કરવા માટે આ રાતનો ખેલ ખેલાઈ રહ્યો છે ?

રાતના સમયે પૂરતી લાઈટની સુવિધા વગર જ પાયાનું ભરાણ (કોંક્રિટિંગ) કરી દેવામાં કેમ આવે છે ?

જેટલા મીટર ડ્રિલિંગ ઓછું થયું અને જેટલો સળિયા-કોંક્રિટનો વપરાશ ઘટ્યો, એટલી રકમ કોન્ટ્રાક્ટરના બિલમાંથી બાદ કરશો કે નહીં ?

આ સાઇટ પર માહિતી બોર્ડ કેમ નથી ? કરોડોના પ્રોજેક્ટની વિગતો, ટેન્ડરની રકમ અને સમયમર્યાદા દર્શાવતું બોર્ડ સાઇટ પર કેમ નથી ?

મજૂરોના જાનને જોખમ રાખી સેફ્ટીના નિયમોનો ઉલ્લંઘન ખુ્લ્લેઆમ આવી સાઇટો પર થાય છે, કોઇ દુર્ઘટના બની તો જવાબદાર કોણ ?

કપડવંજ તાલુકાના અનેક કામોમાં આવી બેદરકારી અને કમિશનબાજીનો ખેલ થયો છે, છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા કામોમાં જો વિજિલન્સ તપાસ થાય તો અનેક અધિકારીઓ ઘરભેગા થઇ શકે છે, થોડા સમય પહેલા ઘડિયા રોડમાં પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને આ મામલે જો સ્થાનિક ધારાસભ્ય કે ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાએ કોઇ તપાસ કરે તો ખબર પડે કે આ ભ્રષ્ટાચાર પાછળ કયા સરકારી બાબુ મલાઇ મારી રહ્યાં છે.

(આ પાઇપ ફાઉન્ડેશન ભાજપના નેતાની રજૂઆત બાદ હટાવી લેવામાં આવી, જનતાના હિતમાં કોઇ નેતાની રજૂઆત પણ સાંભળતા નથી બેફામ અધિકારીઓ) 

facebook twitter