નવી દિલ્હીઃ ભારતના મોટાભાગના વિસ્તારો આ દિવસોમાં આકરી ગરમીથી (heat wave) ત્રસ્ત છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારો છેલ્લા પાંચ દિવસથી તીવ્ર ગરમીની લપેટમાં છે. હવે હવામાન વિભાગે (weather department) કહ્યું છે કે હજુ આગામી થોડા દિવસોમાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે હીટ વેવનું રેડ એલર્ટ (red alert) જાહેર કર્યું છે. જે રાજ્યો માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.
અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, હજુ પાંચ દિવસ ગરમી યથાવત રહેશે. હવામાન વિભાગના મતે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા, આણંદ, સુરત અને વલસાડ જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડશે. ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે, જેના કારણે ગરમીમાં કોઈ રાહત નહીં મળે.
હવામાન વિભાગે કહ્યું છે કે ગરમીને જોતા વૃદ્ધો, બાળકો, ગર્ભવતી મહિવાઓ અને બીમાર લોકોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. દેશના ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ પહોંચી ગયું છે.
રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારો સામેલ છે. ગરમીના કારણે આ વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. ગુજરાતના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી તેમજ ભેજના કારણે સ્થિતિ વધુ જોખમી બની રહી છે. મંગળવારે હરિયાણાના સિરસામાં મહત્તમ તાપમાન 47.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે દેશમાં સૌથી વધુ છે.
દિલ્હીમાં 25 મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું છે.આવી સ્થિતિમાં લોકોએ ચૂંટણી પંચને અપીલ કરી છે કે મતદાન દરમિયાન મતદાન મથકો પર પંખા, કુલર અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/