વાયનાડઃ કેરળના વાયનાડમાં ભૂસ્ખલન બાદ રાહત અને બચાવ કામગીરીનો આજે પાંચમો દિવસ છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક 308 પર પહોંચી ગયો છે. મૃતદેહોની શોધખોળ હજુ ચાલુ છે. સેનાના લેફ્ટનન્ટ કર્નલ વિકાસ રાણાએ જણાવ્યું કે ગઈકાલની જેમ આજે પણ અલગ-અલગ ઝોન માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવશે. ટીમો સાથે વૈજ્ઞાનિકો અને સ્નિફર ડોગ પણ હાજર રહેશે. સેના અધિકારીએ કહ્યું કે સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યાં છે.
ચુરલમાલા વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી હજુ ચાલુ છે. સ્નિફર ડોગ્સની મદદથી મૃતદેહોની શોધ કરવામાં આવી રહી છે. ભારતીય સેનાના સૈનિકો શોધ અને બચાવ કામગીરીને સરળ બનાવવા માટે પંચીરીમટ્ટમ વિસ્તારમાં મશીનરી પસાર કરવા માટે એક અસ્થાયી પુલનું નિર્માણ કરી રહ્યાં છે.
વાયનાડમાં ભૂસ્ખલનમાંથી એક 40 દિવસની છોકરી અને તેના છ વર્ષના ભાઈને બચાવ ટીમોએ સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.ભૂસ્ખલનથી એક પરિવારના છ સભ્યો પૂરમાં વહી ગયા હતા. તેનું ઘર પણ ધરાશાયી થયું હતું. જ્યારે પરિવારની 40 દિવસની બાળકી અનાર અને તેનો છ વર્ષનો ભાઈ મોહમ્મદ હયાન સુરક્ષિત રીતે બચી ગયા છે. રેસ્ક્યુ ટીમના જણાવ્યાં અનુસાર, અનાર અને હયાનને બચાવવા માટે તેમની માતા તંજીરા ઘરની છત સાથે ચોંટી ગઈ હતી. આ દરમિયાન હયાન અચાનક પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયો હતો. છ વર્ષનો હયાન 100 મીટર દૂર ગયો અને કૂવા પાસે પસાર થતા વાયર પર લટકી ગયો હતો. રેસ્ક્યુ ટીમે તેને બચાવી લીધો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/