માવજી પટેલ અપક્ષ તરીકે ચૂંટણી લડતાં હોવાથી બેટનું સિમ્બોલ ફાળવવામાં આવ્યું
માવજી પટેલે પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓને આડે હાથ લીધા
બનાસકાંઠાઃ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હાલ પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. બળવાખોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ શક્તિ પ્રદર્શન કરી ભાજપ પર નિશાન સાધી રહ્યાં છે. પ્રચાર વખતે માવજી પટેલે જાહેરમાં કહ્યું કે, મારે ભાજપનો જ નહીં, સી.આર.પાટીલનો પાવર ઉતારવો છે. તેમણે ચીમકી પણ આપી કે, હું ભાજપનો સૈનિક હોવા છતાં ભાજપે મારી અવગણના કરી છે. પણ ભાજપને આ બધું ભારે પડશે.
તેમણે કહ્યું કે ભાજપ એક ટિકિટ હારે કે જીતે તેને કંઈ જ ફરક પડતો નથી. ભાજપ પાસે 162 બેઠકો છે એટલે વજન વધી ગયુ છે. ભાજપમાં કોઈ બોલવાવાળુ જ નથી. હું તો દરેક ધારાસભ્યને કહું છું કે આવો આગળ ને બોલો. કોઈ ઘરમાં વહુનું સાસુ, નણંદ, દેરાણી કે કોઈ ના સાંભળે તો ત્યારે વહુએ જાતે જ નિર્ણય લેવો પડે છે. એ જ રીતે મારુ પણ ભાજપમાં કોઈએ સાંભળ્યું નહી. આ કારણોસર તો અંતે મારે નાછૂટકે મેદાને ઉતારવું પડ્યું છે.
આ સત્ય અને અસત્યની લડાઈ છે. અમે દરેર ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને જીતાડવા તેમની પડખે ઉભા રહ્યાં છીએ, પરંતુ વાવની બેઠક પર ટિકિટની વહેંચણીનો વારો આવ્યો ત્યારે પાટીલ સાહેબે તો હાથ જ ઊંચા કરી દીધા છે. એટલુ જ નહીં એવુ કહી દીધું કે, દિલ્હીથી રત્નાકરને વાવની જવાબદારી સોંપાઈ છે તો નિર્ણય પણ એ જ લેશે. સરપંચે પણ મોવડી મંડળને કહ્યું કે, માવજીભાઈને ટિકિટ આપો, અમે કાગળિયા તેમના હાથમાં પકડાવી દીધા પણ, જાણે રત્નાકર ભગવાન હોય તેવી રીતે તેમણે બધુ નક્કી કરી નાખ્યું. માવજી પટેલના આવા નિવેદનથી ભાજપમાં ફફડાટ ફેલાઇ ગયો છે. તેમને એમ પણ કહી દીધું કે આ વખતે પાટીલનો પણ પાવર ઉતારી નાખવાનો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/