Crime News: વડોદરામાં જમાઈ બન્યો યમરાજ, સાસુને ઉતાર્યાં મોતને ઘાટ, પત્નીને ઘાયલ કરીને પોતે કરી લીધો આપઘાત

10:57 AM Jul 21, 2024 | gujaratpost

મનિષાએ દોઢ વર્ષ પહેલાં જ જીગ્નેશ સાથે બીજા લગ્ન કર્યાં હતા

ઘરના કામ બાબતે પતિ અને પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા 

Vadodara Crime News: ગુજરાતમાં પણ હવે યુપી, બિહાર વાળી ઘટનાઓ બનવા લાગી છે. વડોદરાના પોર નજીકના સરાર ગામે એક શખ્સે  તેની પત્નિ તથા સાસુને ચપ્પાના ઘા માર્યા હતા, જે બાદ તેણે પણ આપઘાત કરી લીધો હતો. ઘટનામાં સાસુનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે પત્નિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી.  

પોર નજીક આવેલા સરાર ગામમાં રહેતી મનિષા વસાવાના લગ્ન અંકલેશ્વર તાલુકાના એખ ગામે રહેતા જીગ્નેશ પટેલ સાથે થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી મનિષા સાસરીમાંથી પોતાના પિયર સરાર ગામે આવી હતી. મનિષાના પિતા તથા ભાઇ કામ પર ગયા હતા અને ઘરે મનિષા તથા તેની માતા સુધાબેન વસાવા હાજર હતા.  

દરમિયાન જીગ્નેશ પટેલ સરાર ગામે સાસરીમાં આવ્યો હતો અને તેની પત્ની તથા સાસુ સાથે બોલાચાલી થઇ હતી. ઉશ્કેરાયેલા જીગ્નેશ તેની પત્ની તથા સાસુ પર ચપ્પુના ઉપરાછાપરી ઘા મારવા લાગ્યો હતો. સુધાબેનને ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે મનિષા લોહીલુહાણ હાલતમાં પડી ગઇ હતી. ત્યારબાદ જીગ્નેશ પટેલે જાતે પણ ઘરની બહાર નીકળીને ફળિયામાં વચ્ચે ઉભા રહીને પોતાના પર ચપ્પુના ઘા મારવા લાગ્યો હતો. જેથી પાડોશીઓને ઝઘડા અંગે જાણ થઇ હતી અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

ગંભીર ઇજાઓને કારણે જીગ્નેશ પટેલનું પણ ઘટનાસ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત મનિષાને એસએસજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. વરણામા પોલીસને જાણ થતા તુરંત સ્થળ પર દોડી આવીને હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526