પૂર વખતે ગુમ થયેલા નેતાઓ હવે પાણી ઓસરતાં જ રાશન કીટ લઈને ફોટો પડાવવા આવી ગયા
આપત્તિ વખતે ગુમ રહેલા નેતાઓ લોકો વચ્ચે જતાં ઘેરાવ સાથે વિરોધ થઈ રહ્યો છે
Latest Vadodara News: પૂરગ્રસ્ત વડોદરામાં પાણી ઉતર્યાં બાદ ધીમે ધીમે જનજીવન થાળે પડી રહ્યું છે. આ દરમિયાન ભાજપના નેતાઓ મદદના નામે લોકો વચ્ચે ફોટો પડાવવા જઈ રહ્યાં છે. જો કે તેમને લોકોના રોષનું ભોગ બનવું પડી રહ્યું છે. વાઘોડિયારોડ વિસ્તારમાં વોર્ડ નંબર-15 ના વિસ્તારમાં કિટ વિતરણ કરવા ગયેલા શિક્ષણમંત્રીએ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. વાઘોડિયા રોડની રામવાટિકા સોસાયટીની પાછળનો વિસ્તાર એવો છે કે જ્યાં બે-ત્રણ ઇંચ વરસાદ પડતાં જ પાણી ભરાઇ જાય છે. વળી આ પાણીનો નિકાલ પણ સૌથી છેલ્લે થાય છે.આ વિસ્તારની સોસાયટીઓના રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ પાણી નિકાલનો કોઇ જ ઉકેલ આવ્યો નથી અને નેતાઓ અહીં ફોટો પડાવવા આવી જાય છે.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા વોર્ડ નંબર-15ના વિસ્તારમાં કિટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન અનેક લોકોએ દૂરથી જ કિટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેમણે અમારે કિટની જરૂર નથી. તેમ કહી પાણીના નિકાલનો કાયમી ઉકેલ જોઇએ છે, તેવી ઉગ્ર માંગ કરાઇ હતી. ઘણા લોકોએ હાથના ઈશારાથી જ મંત્રીને જતા રહેવા જણાવ્યું હતું.
વડોદરાના પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુર રોકડીયાને પણ જનતાએ આડે હાથ લીધા હતા. શહેરના હરિપુરા વિસ્તારમાં કેયુર રોકડીયા પર લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. જેના કારણે રાશનકીટનું વિતરણ કર્યા વગર જ તેમણે ચાલતી પકડી હતી. લોકોએ કહ્યું કે, 5 દિવસ પૂરના પાણી ભરાયા હતા ત્યારે કોઈ જોવા આવ્યું ન હતું. અમારે કોઈ સહાય જોઈતી નથી.
નોંધનિય છે કે વડોદરામાં એક ડમ્પર પર બેસીને મંત્રી જગદીશ વિશ્વકર્મા અને રૂષિકેશ પટેલે પણ ફોટોગ્રાફી કરાવી હતી, જેની સામે પણ જનતા ગુસ્સે ભરાયેલી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526