Vadodara News: વડોદરામાં પૂર પર રાજકારણ શરૂ, કોંગ્રેસે લગાવ્યાં મુખ્યમંત્રી હાય....હાય...ના નારા

09:58 PM Aug 31, 2024 | gujaratpost

કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પૂર પીડિતોને વળતર આપવા માંગ કરાઇ

વિનોદ રાવે આખું વડોદરા શહેર વેચી માર્યું હોવાનો કોંગ્રેસનો આરોપ

Latest Vadodara News: વડોદરામાંથી પૂરના પાણી ઓસર્યાં બાદ ધીમે ધીમે સ્થિતિ થાળે પડી રહી છે. ચારે તરફ તબાહી, બરબાદી અને તારાજીના જોવા મળી રહેલા દ્રશ્યો વચ્ચે એક નવી મુસીબત શહેરના ધોવાઈ ગયેલા રસ્તાઓની છે. જો કે પૂરને લઈ હવે વડોદરામાં રાજકારણ શરૂ થયું છે.

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ કલેકટર ઓફિસ આગળ હાય રે... ભાજપ હાય.... હાય...ના નારા લગાવ્યાં હતા. વડોદરા શહેરના ધારાસભ્યો, સાંસદ, અને મુખ્યમંત્રી શરમ કરો...શરમ કરોના નારા લગાવ્યાં હતા. શહેરમાં પૂરના પાણી ઉતરતાં ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો વિવિધ વિસ્તારોમાં જઇ રહ્યાં છે, ત્યારે ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે. હવે આ વિરોધ વચ્ચે કોંગ્રેસ પણ મેદાને આવી છે અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પૂર પીડિતોને વળતર આપવા અંગેની માગ કરી હતી. ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

શહેર કોંગ્રેસપ્રમુખ ઋત્વિજ જોષીએ કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીં આવે છે તો અમને પોલીસ પકડી જાય છે. અમારો અવાજ દબાવવાનો પ્રયાસ થાય છે. 2500 રૂપિયા આપી વડોદરાની પ્રજાને ભીખ આપો છો. તમામ થયેલાં નુકસાનનું યોગ્ય વળતર આપો. ઘરોનું લાઈટ બિલ અને 1 વર્ષનો વેરો પ્રજાનો માફ કરો. આ પ્રજાના ટેક્સના રૂપિયા છે. અમે આંદોલન કરીશું. મોલ, હોટલો, ભાજપના બંગલા તોડાવો.

વિશ્વામિત્રી દબાણ મુદ્દે ઉગ્ર રજૂઆત કરતાં તેમણે કહ્યું કે અગોરા મોલ આખો દબાણમાં છે. ભૂખી કાંસ પર પણ દબાણો કર્યાં. હવે તો વડોદરાની પ્રજાને ખબર પડી ગઈ કે ક્યાં ક્યાં દબાણ થયાં. લોકોના ઘરમાં એક એક માળ સુધી પાણી ઘૂસી ગયાં. ફોટો સેશન કરતા મંત્રીઓ અને નિદ્રામાં સૂતેલા મુખ્યમંત્રીને આવેદન મોકલજો. કાગળ સમજીને ફેંકી ના દેતા. વિનોદ રાવે આખું વડોદરા શહેર વેચી માર્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526