Latest Vadodara News: નવરાત્રીમાં બીજા નોરતાની રાત્રે વડોદરાના ભાયલીમાં થયેલા ગેંગરેપના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. આ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 5 આરોપીઓને ઝડપી પાડ્યાં હતા. આ કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે માત્ર 11 દિવસના ગાળામાં જ પાંચ આરોપીઓ સામે 6,000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં મુકી છે.
વડોદરા માટે કલંકરૂપ આ ઘટનામાં પ્રારંભમાં તાલુકા પોલીસે તપાસ કરી હતી. જે બાદ એસ.પી.રોહન આનંદની અધ્યક્ષતામાં સીટની રચના કરાઇ હતી. સીટમાં તપાસ અધિકારી તરીકે ડીવાયએસપી બળવંતસિંહ ચાવડાએ ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓની ઝીણવટભરી તપાસ કરીને આરોપીઓને ચાર દિવસમાં ઝડપી પાડ્યાં હતા. પહેલા કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ પૂરા થતા પોલીસે ફરીથી રિમાન્ડની અરજી કરતા કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.
ચાર્જશીટમાં 100 થી વધુ સાહેદોના નિવેદનો નોંધવામાં આવ્યાં છે. મેડિકલ અને ફોરેન્સીક પુરાવાઓ સાથે ટેકનિકલ પુરાવાઓને પણ સંલગ્ન કરવામાં આવ્યાં હતા. 4 ઓક્ટોબરે બીજા નોરતાની રાત્રે ભાયલીના સીમ વિસ્તારમાં પોતાના મિત્ર સાથે બેઠેલી સગીરાને ઝાડીમાં લઇ જઇને ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યુ હતું. બે બાઇક ઉપર આવેલા પાંચ આરોપીઓ પૈકી બે આરોપી જતા રહ્યાં હતા જ્યારે ૩ આરોપીઓએ ગેંગરેપ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/