બેડમાં રૂપિયા જ રૂપિયા...રૂ. 40 કરોડની રોકડ મળી, જૂતાના વેપારીની અપાર સંપત્તિ જોઈને આઈટી અધિકારીઓ ચોંકી ગયા

06:01 PM May 19, 2024 | gujaratpost

ઉત્તર પ્રદેશઃ આગ્રામાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અહીં જૂતાના ત્રણ વેપારીઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યાં હતા, જેમાં બિનહિસાબી સંપત્તિ મળી આવી હતી. અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે,  એક જગ્યાએ બાકીની રોકડની ગણતરી ચાલી રહી છે. બેડ ભરેલા રૂપિયા જોઇને આઇટી અધિકારીઓ ચોંકી ગયા હતા.

દરોડા દરમિયાન જૂતાના વેપારીના ઘરેથી ચલણી નોટોનો ઢગલો મળી આવ્યો હતો, જેમાં 500 રૂપિયાની નોટો હતી. હજુ કેટલી રોકડ છે તેની ગણતરી ચાલી રહી છે. આવકવેરા વિભાગે નોટોની ગણતરીની જવાબદારી બેંક અધિકારીઓ અને કર્મચારીઓને સોંપી છે.

અત્યાર સુધીમાં 40 કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી છે. જેનો કોઈ હિસાબ વેપારી પાસે નથી. બાકીની રકમની ગણતરી ચાલી રહી છે. નોટોનો જંગી જથ્થો મળી આવતાં ગણતાં ગણતાં અધિકારીઓ અને કર્મચારીઓ થાકી ગયા હતા.

આવકવેરા વિભાગને તેના પર કરચોરી અને અપ્રમાણસર સંપત્તિ હોવાની શંકા હતી. જ્યારે વિભાગને આ અંગેની માહિતી મળી, ત્યારે ટીમે જૂતાના ત્રણ વેપારીઓના ઠેકાણાંઓ પર દરોડા પાડ્યાં હતા.

ઇન્કમટેક્સની ટીમે આગ્રા, લખનઉ અને કાનપુરના વેપારીઓના છ સ્થળોએ કાર્યવાહી કરી હતી. જેમાં એમજી રોડ સ્થિત બીકે શુઝ શોપ અને સૂર્ય નગર ખાતેના ઘરની તલાશી લેવામાં આવી હતી. જૂતાનો વેપાર કરતા મંશુ ફૂટવેર અને બીકે શુઝના માલિકો સગા-સંબંધી છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેમનું બજારમાં મોટું નામ બની ગયું છે. હરમિલાપ ટ્રેડર્સ જૂતાની સામગ્રીનો વેપાર કરે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526