US Elections 2024: અમેરિકામાં મતદાન ચાલુ, જાણો રાષ્ટ્રપતિ ચૂંટણીની કેટલીક અજાણી વાતો- Gujarat Post

10:13 PM Nov 05, 2024 | gujaratpost

US Elections 2024: વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં સૌથી શક્તિશાળી વ્યક્તિ એટલે કે રાષ્ટ્રપતિની પસંદગી માટે મંગળવારે મતદાન ચાલી રહ્યું છે. 47માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વોટિંગ યુએસ સમય મુજબ સવારે 6 વાગ્યે (ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગ્યે) શરૂ થયું હતું. અમેરિકામાં મતદાન રાત્રે 8 વાગ્યા સુધી (ભારતીય સમય અનુસાર 6 નવેમ્બરે 6:30 વાગ્યા સુધી) ચાલુ રહેશે. રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી ભારતીય મૂળના કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદ માટે મેદાનમાં છે.

અમેરિકાની ચૂંટણીની ખાસ વાતો

અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએન અનુસાર, પોસ્ટલ વોટિંગ દ્વારા આ ચૂંટણીમાં લગભગ 8.2 કરોડ એટલે કે 40% મતદાતાઓ પહેલાથી જ મતદાન કરી ચૂક્યાં છે. મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી શરૂ થશે. આ સાથે જ એક્ઝિટ પોલના પરિણામો પણ આવવાનું શરૂ થઈ જશે. જ્યારે અંતિમ પરિણામ આવવામાં એક-બે દિવસ લાગી શકે છે.

અમેરિકાના 50 રાજ્યો અને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કુલ 538 ઈલેક્ટોરલ વોટ એટલે કે સીટો છે. આ ચૂંટણીમાં કુલ 7 સ્વિંગ સ્ટેટ છે. મતલબ કે આ રાજ્યો ગમે ત્યારે કોઈની તરફેણમાં મોરચો ફેરવી શકે છે. આ રાજ્યો પર રિપબ્લિકન અને ડેમોક્રેટિક પક્ષોનો મહત્તમ ભાર છે. અમેરિકા રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસને 270 સીટો જીતવી જરૂરી છે.

અમેરિકામાં ચૂંટણીના નિયમો હેઠળ, 100 થી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં મતદાન મધ્યરાત્રિએ શરૂ થાય છે. કેનેડા સરહદને અડીને આવેલા ન્યુ હેમ્પશાયરમાં સોમવારે મધ્યરાત્રિએ મતદાન શરૂ થયું હતું. આ પછી ન્યૂ હેમ્પશાયરના ડિક્સવિલે નોચમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીની માહિતી મુજબ કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પને 3-3 વોટ મળ્યાં છે.

અમેરિકામાં ભારતીયોની વસ્તી લગભગ 52 લાખ છે. તેમાંથી લગભગ 23 લાખ મતદારો છે. આ બીજા નંબરનું સૌથી મોટું ઇમિગ્રન્ટ જૂથ છે. પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિના, જ્યોર્જિયા, મિશિગન જેવા 'સ્વિંગ સ્ટેટ્સ'માં ભારતીયોની સારી સંખ્યા છે.

તમામ રાજ્યોમાં મતદાનનો સમય અલગ-અલગ હોય છે. તમામ રાજ્યોમાં મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી શરૂ થશે. ઉમેદવારો વચ્ચેના મતોના મોટા તફાવતને કારણે પરિણામો ઝડપથી આવે છે. જો કોઈ પણ રાજ્યમાં બંને ઉમેદવારો વચ્ચે 50 હજારથી વધુ મતોનો તફાવત હોય અને માત્ર 20 હજાર મતો જ ગણતરીના બાકી હોય તો લીડ લેનારા ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. જેથી ઝડપથી પરિણામ આવે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++