અમેરિકાથી ડોલર મોકલવા પડશે મોંઘા, ટ્રમ્પે લીધો વધુ એક આકરો નિર્ણય- Gujarat Post

11:40 PM May 16, 2025 | gujaratpost

ટ્રમ્પે ફરી સત્તા સંભાળ્યાં બાદ એક બાદ એક મોટા નિર્ણય લેવાઇ રહ્યાં છે

ટેરિફ વોર બાદ હવે વધુ એક આકરો નિર્ણય

વોશિંગ્ટનઃ ટ્રમ્પ સરકારે વધુ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. તેમના આ નિર્ણયથી ભારતીયોની મુશ્કેલીઓ વધી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 5% રેમિટન્સ ટેક્સનો પ્રસ્તાવ મૂક્યો છે. ધ વન, બિગ, બ્યુટીફુલ બિલ નામના બિલ હેઠળ લાગુ પડનાર આ ટેક્સ અમેરિકામાં વસતા વિદેશી નાગરિકો દ્વારા તેમના વતન મોકલાતા નાણાં પર લાગશે. આ યોજના અમલમાં મુકાઈ તો તેનો સૌથી મોટો ગેરફાયદો ભારતીયોને થશે, કેમ કે વૈશ્વિક સ્તરે ભારતીયો જ વતનમાં સૌથી વધુ નાણાં મોકલે છે.

અમેરિકાનો વહીવટી ખર્ચ ઓછો કરીને દેશની આવક વધે એવા અનેક પગલાં ટ્રમ્પ લઈ રહ્યા છે. ધ વન, બિગ, બ્યુટીફુલ બિલમાં અમેરિકન નાગરિક ન હોય એવા વિદેશીઓ દ્વારા તેમના વતન મોકલાતા નાણાં પર 5% રેમિટન્સ ટેક્સ વસૂલવાની દરખાસ્ત મુકાઈ છે. ફક્ત રોકડ જ નહીં, કોઈપણ ફોર્મમાં મોકલાતા નાણાં પર ટેક્સ લાગુ પડશે. આ બિલ અંતર્ગત કોઈ લઘુત્તમ મુક્તિ મર્યાદા પ્રસ્તાવિત કરવામાં આવી નથી. ટ્રાન્સફર નાના મૂલ્યનું હશે તોપણ રેમિટન્સ ટેક્સ ચૂકવવો પડશે. ભારતમાં વસતા પરિજનો માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં સાધારણ રોકાણ માટે મોકલવામાં આવેલા નાણાં પર પણ 5 ટકાના દરે ટેક્સ લાગશે. શિક્ષણ, આરોગ્યસંભાળ અથવા કટોકટી સહાય માટે મોકલવામાં આવેલા ભંડોળ પર પણ સમાન ટેક્સ લાગશે.

ટ્રમ્પના આ નિર્ણય બાદ પરિવારને આર્થિક મદદ માટે નિયમિત પૈસા મોકલતાં એનઆઈઆરની ચિંતા વધશે. એક એનઆરઆઈના કહેવા પ્રમાણે, ટ્રમ્પના આ પગલાથી તેમના પરિવારની આર્થિક મદદ કરવી વધારે મોંઘી બનશે.