+

UGC ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની રોક: 2012ના નિયમો જ રહેશે લાગુ - Gujarati News

કોર્ટે કહ્યું- આપણે ઉલટી દિશામાં જઈ રહ્યાં છીએ 19 માર્ચના રોજ સુનાવણી થશે નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે યુજીસીના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટેના વિનિયમ, 2026 ને પડકા

  • કોર્ટે કહ્યું- આપણે ઉલટી દિશામાં જઈ રહ્યાં છીએ
  • 19 માર્ચના રોજ સુનાવણી થશે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે યુજીસીના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા માટેના વિનિયમ, 2026 ને પડકારતી અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. કોર્ટમાં આ નિયમોને સામાન્ય વર્ગો વિરુદ્ધ ભેદભાવપૂર્ણ ગણાવીને પડકારવામાં આવ્યાં હતા. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમો પર રોક લગાવી દીધી છે. હવે નવા આદેશ સુધી વર્ષ 2012ના નિયમો જ અમલમાં રહેશે.

સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, નવા નિયમો અસ્પષ્ટ છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે અને આગામી આદેશ સુધી નવા નિયમોના અમલીકરણ પર રોક લગાવી દીધી છે. આ મામલે હવે પછીની સુનાવણી 19 માર્ચના રોજ થશે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચીની બેન્ચે આ રિટ અરજીઓની સુનાવણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આપણે જાતિવિહીન સમાજ તરફ આગળ વધવું જોઈએ કે આપણે પાછળ જઈ રહ્યા છીએ ? જસ્ટિસ સૂર્યકાંતે વધુમાં ઉમેર્યું કે, શું આપણે ઉલટી દિશામાં જઈ રહ્યા છીએ ? જેમને ખરેખર સુરક્ષાની જરૂર છે, તેમના માટે વ્યવસ્થા હોવી જોઈએ. કોર્ટે કેન્દ્ર અને યુજીસી પાસે જવાબ માંગ્યો છે અને એક વિશેષ કમિટી બનાવવાની શક્યતા પણ દર્શાવી છે. સાથોસાથ નવા નિયમોની ભાષા સ્પષ્ટ કરવા માટે નિષ્ણાતોની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, યુજીસી રેગ્યુલેશન, 2026 ને 23 જાન્યુઆરી, 2026 ના રોજ નોટિફાઈ કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો હતો. અનેક અરજદારોએ આ નિયમોને મનસ્વી, ભેદભાવપૂર્ણ અને બંધારણની સાથે-સાથે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956નું ઉલ્લંઘન ગણાવી પડકાર્યા હતા.  

facebook twitter