વડોદરા: વરસાદ અને પૂર બાદ ભાજપના નેતાઓનો વિરોધ થઇ રહ્યો છે. વડોદરામાં વેમાલીમાં હોસ્પિટાલિટી પાર્ટી પ્લોટમાંથી પાણી કાઢતી વખતે વીજ શોક લાગવાથી બે યુવકોનાં મોત થયા હતા. અકસ્માત બાદ રાવપુરાના ભાજપના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા અને ધારાસભ્ય મનીષ વકીલ ઘટના સ્થળે પહોંચ્યાં હતા, ત્યારે તેમને સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
લોકોએ પૂરના કારણે સર્જાયેલી સ્થિતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે હવે જય સિયારામ, તમે અહીંથી જાઓ. બાલકૃષ્ણ શુક્લા હાલમાં વિધાનસભામાં ભાજપના ચીફ વ્હીપ પણ છે.
લોકોએ અઘરા પ્રશ્નો પૂછ્યાં અને નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો
રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા અને મનીષા વકીલને રોષનો સામનો કરવો પડ્યો હતો. વડોદરામાં વારંવાર સર્જાતી પૂરની સ્થિતિને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ પૂછ્યું કે શું તેઓ જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરી શકશે ? બાલકૃષ્ણ શુક્લા તેનો જવાબ આપી શક્યા ન હતા.
વડોદરામાં વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. આ પછી બચાવ કાર્યમાં સેનાને તૈનાત કરવી પડી હતી. નદીના પાણી ઓસર્યા બાદ બંને યુવકો પૂરના પાણીને નીકાળવા માટે ભોંયરામાં ગયા હતા. ત્યારબાદ તેને વીજ કરંટ લાગ્યો હતો. સોમવારે વડોદરામાં ભારે વરસાદ પડ્યો હતો. આ પછી આજવા ડેમનું પાણી છોડવામાં આવ્યું હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526