ન્યુયોર્કઃ અમેરિકાના પેન્સિલવેનિયામાં રોડ અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, બે ભારતીય વિદ્યાર્થીઓની કાર ઝાડ સાથે અથડાઈને પુલ પરથી નીચે ખાબકી જતાં કાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં આગળની સીટ પર બેઠેલા અન્ય એક મુસાફરને ઈજા થઈ હતી, તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ સમાચાર મળ્યાં પછી ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
એમ્બેસીએ પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે ક્લેવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થીઓ, માનવ પટેલ (ઉ.વ-20) અને સૌરવ પ્રભાકર (ઉ.વ-23) નું દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં મોત થયાનું જાણીને દુઃખ થયું. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદના અને પ્રાર્થના તેમના પરિવારો સાથે છે. કોન્સ્યુલેટ પરિવારોના સંપર્કમાં છે અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. બ્રેકનોક ટાઉનશીપમાં પેન્સિલવેનિયા ટર્નપાઈક પર શનિવારે સવારે 7 વાગ્યે આ અકસ્માત થયો હતો.
લેન્કેસ્ટર કાઉન્ટી કોરોનર ઓફિસ અને પેન્સિલવેનિયા સ્ટેટ પોલીસના જણાવ્યાં અનુસાર, પટેલ અને પ્રભાકરનું મૃત્યુ ત્યારે થયું જ્યારે તેમની કાર એક ઝાડ સાથે અથડાઈ અને બાદમાં પુલ પરથી નીચે ખાબકી હતી. પ્રભાકર કાર ચલાવી રહ્યો હતો.પોલીસનું કહેવું છે કે બંને વિધાર્થીઓનું ઘટના સ્થળે જ અનેક ગંભીર ઇજાઓથી મોત થયું હતુ.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++