ભારતની લાલ આંખ બાદ કેનેડા પડ્યું ઢીલું, પીએમ મોદીને લઈને કહી આ વાત- Gujarat Post

10:59 AM Nov 22, 2024 | gujaratpost

ટોરોન્ટોઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન, શુક્રવારે આ સમગ્ર મામલે કેનેડા દ્વારા એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. કેનેડાએ સ્વીકાર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને કેનેડામાં કોઈપણ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડતા કોઈ પુરાવા નથી.

કેનેડા સરકારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે 14 ઓક્ટોબરે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) અને સત્તાવાળાઓએ ભારતીય એજન્ટો દ્વારા કેનેડામાં કથિત રૂપે આચરવામાં આવેલા ગુનાઓ મામલે જાહેરમાં આક્ષેપો કર્યાં હતા.પરંતુ કેનેડાની સરકારે ક્યારેય એવું નથી કહ્યું કે વડાપ્રધાન મોદી, મંત્રી જયશંકર કે NSA ડોભાલ આ ગુનાઓમાં સામેલ હતા. આ આરોપ ખોટા અને પાયાવિહોણા છે.

ટ્રુડો સરકારનું આ સ્પષ્ટીકરણ કેનેડાના એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલના દાવા બાદ આવ્યું છે. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નિજ્જરની હત્યાનું કાવતરું ભારતના ટોચના નેતાઓએ ઘડ્યું હતું. કેનેડાના સરકારી સ્ત્રોતને ટાંકીને કેનેડાના ગ્લોબ એન્ડ મેલ અખબારના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને ખાલિસ્તાન સમર્થક આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની જાણ હતી. ડોભાલ પણ આ વિશે જાણતા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++