બોર્ડર-ગાવસ્કર સીરિઝ વચ્ચે અશ્વિને અચાનક જ નિવૃત્તિ જાહેર કરી સૌને ચોંકાવ્યાં- Gujarat Post

12:00 PM Dec 18, 2024 | gujaratpost

બ્રિસેબનઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસેબનના ગાબામાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ મેચ બાદ ભારતના સ્ટાર સ્પિન ઑલરાઉન્ડર આર અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી વચ્ચે તેનો આ નિર્ણય ટીમ ઈન્ડિયા માટે એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. તેણે નિવૃત્તિની જાહેરાત કરતાં કોહલી સાથે વાત કરી હતી. દરમિયાન તે ભાવુક થયો હતો અને કોહલીએ તેને ગળે લગાવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સંન્યાસની જાહેરાત બાદ તેણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, આજે મારો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકેનો છેલ્લો દિવસ હતો.એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે હું હવે આ રમત સાથે જોડાયેલો નહીં રહું. પરંતુ હું ચોક્કસપણે આ રમત સાથે કોઈને કોઈ રીતે જોડાયેલો રહીશ. અશ્વિને તેની એક્સ પોસ્ટ પર લખ્યું, ઘણા વિચાર કર્યા પછી, મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. અવિસ્મરણીય ક્ષણોથી ભરપૂર, ભારતનું પ્રતિનિધિત્વ કરતી મારી અત્યાર સુધીની સફર અવિશ્વસનીય રહી છે. મારા સાથી ખેલાડીઓ, કોચ, બીસીસીઆઈ અને સૌથી અગત્યનું ચાહકોને તેમના અતૂટ સમર્થન માટે આભાર.

આર અશ્વિને 106 ટેસ્ટમાં 537 વિકેટ ઝડપી છે. તેણે 5 વિકેટ 37 વખત અને 10 વિકેટ 8 વખત ઝડપી છે. ઉપરાંત 6 સદી અને 14 અડધી સદી પણ ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 124 રન છે. તેણે 116 વન ડેમાં 156 વિકેટ લીધી છે અને 707 રન પણ બનાવ્યા છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20ની 65 મેચમાં 72 વિકેટ ઝડપી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++