પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો શંખનાદ, મમતા બેનર્જીએ 291 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા

05:36 PM Mar 17, 2026 | gujaratpost

  • ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર
  • મમતા સામે શુભેન્દુ જ લડશે ચૂંટણી

કોલકાતાઃ  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 291 બેઠકો માટે પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીની સાથે જ રાજ્યમાં ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું છે. મમતા બેનર્જીએ કોલકાતાના કાલીઘાટ સ્થિત પોતાના નિવાસસ્થાનેથી ઉમેદવારોના નામની જાહેરાત કરી અને કહ્યું કે પાર્ટી આ વખતે પણ જીતની પરંપરા જાળવી રાખવા માટે પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે.

મમતા બેનર્જીએ ઉમેદવારોની જાહેરાત કરતા જણાવ્યું કે, પાર્ટીએ આ વખતે અનુભવ અને નવા ચહેરાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. યાદીમાં ઘણા વર્તમાન ધારાસભ્યોને ફરીથી તક આપવામાં આવી છે, જ્યારે કેટલીક બેઠકો પર નવા ચહેરાઓને ઉતારવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ વખતે પણ મમતા બેનર્જી પોતે ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડશે, જ્યાં તેમનો મુકાબલો ભાજપના નેતા શુભેન્દુ અધિકારી સાથે થવાની શક્યતા સેવાઈ રહી છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જી બે બેઠકો પરથી મેદાનમાં ઉતર્યા હતા - નંદીગ્રામ અને ભવાનીપુર. નંદીગ્રામમાં મમતાનો મુકાબલો શુભેન્દુ અધિકારી સામે હતો, જ્યાં તેમની હાર થઈ હતી. જોકે, ભવાનીપુર બેઠક પર તેમણે જીત મેળવી હતી.

આ વખતે અહીં મુકાબલો મહત્વનો છે કારણ કે ભાજપે આ વખતે નંદીગ્રામની સાથે ભવાનીપુરથી પણ શુભેન્દુ અધિકારીને ઉમેદવાર બનાવ્યા છે. એવામાં ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે શું નંદીગ્રામમાં મમતાને હરાવનાર શુભેન્દુ, મમતાના ગઢમાં પણ તેમને હરાવી શકશે? કે પછી ભાજપનો આ દાવ શુભેન્દુને જ ભારે પડી જશે?


ઉમેદવારોની જાહેરાત દરમિયાન મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ ભાજપની તરફેણમાં "રમત" રમી રહ્યું છે. મમતાએ આકરા શબ્દોમાં કહ્યું કે, જો પંચ ભાજપને આટલી મદદ કરી રહ્યું હોય, તો તેણે સીધું જ ભાજપ માટે પ્રચાર શરૂ કરી દેવો જોઈએ.