આ સ્વામી પણ નરાધમ નીકળ્યો, હવે સ્વામિનારાયણના સંતે મહિલા પર દુષ્કર્મ આચર્યું, ગર્ભ રહી જતાં કર્યુ આવું- Gujarat Post

05:34 PM Jun 16, 2024 | gujaratpost

રાજકોટઃ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા ખેડાના વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંત સામે સગીરાએ દુષ્કર્મની ફરિયાદ કરી છે અને હવે રાજકોટના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. ખીરસરા ઘેટીયા ગામ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના ધરમસ્વરૂપદાસ સ્વામીએ છેલ્લા ત્રણ વર્ષથી 30 વર્ષીય મહિલા સાથે દુષ્કૃત્ય ગુજાર્યું હોવાનો ગુનો દાખલ થયો છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ધરમસ્વરૂપદાસ સ્વામી દ્વારા મહિલાને 25/12/2020 ના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. જે ફ્રેન્ડ રિક્વેસ્ટ મહિલા દ્વારા એક્સેપ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ ધરમસ્વરૂપદાસ સ્વામી દ્વારા મહિલા સાથે વાતચીત કરવામાં આવતી હતી. બંને વચ્ચે પરિચય થતા મિત્રતા બંધાઈ હતી. 2021ના ફેબ્રુઆરી મહિનામાં સ્વામી દ્વારા મહિલાને મળવા બોલાવવામાં આવી હતી. જેથી મહિલા સ્વામીને મળવા માટે ખીરસરામાં ગુરુકુળ ખાતે ગઈ હતી. જ્યાં તેને લેવા માટે મયુર કાસોદરીયા નામનો વ્યક્તિ આવ્યો હતો.

ગુરુકુળના ગેસ્ટ રૂમમાં મહિલા હાજર હતી ત્યાં સ્વામી પણ પહોંચ્યાં હતા. ત્યારે મહિલાને ખોટી હમદર્દી બતાવીને તેવો ભેટી પડ્યાં હતા અને મહિલાને કિસ કરવાની કોશિશ કરી હતી. જે તે સમયે મહિલા દ્વારા પ્રતિકાર કરવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારે સ્વામી દ્વારા હું તારી સાથે લગ્ન કરી લઈશ તે પ્રકારની વાતોમાં ફસાવીને ગેસ્ટ રૂમમાં જ લગ્ન કરવામાં આવ્યાં હતા. ત્યારબાદ સ્વામીએ કહ્યું હતું કે હવે હું તારો કાયદેસરનો પતિ છું, જેથી તારા પર મારો હક છે, તેમ કહીને મહિલાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ રીતે સ્વામી ત્રણ વર્ષ સુધી શોષણ કરતો રહ્યો, દરમિયાન મહિલાને ગર્ભ રહી જતાં સ્વામીને વાત કરી હતી. તેણે દવા આપીને ગર્ભ પડાવી નાખ્યો હતો. દરમિયાન સ્વામી સાથે કોઈ વાતે મતભેદ થતાં તેને તું આ વાત કોઈને કહીશ તો જીવવા જેવી નહીં રહે તેવી ધમકી પણ આપી હતી. આ મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526