સુરતઃ પંડિત પ્રદીપ મિશ્રાની ભાગવત કથાને લઈને એક વિવાદ સામે આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તેમની કથા અંગે સુરત શહેરમાં ફ્રી હોર્ડિંગ્સ લગાવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપી હતી, પરંતુ હવે મંજૂરી રદ કરીને હોર્ડિંગ્સ ઉતારવાનું શરૂ કરી દીધું છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલની તસવીરો છે. સુરત મહાનગર પાલિકાના આ નિર્ણયથી કથાના આયોજકો પણ આશ્ચર્યચકિત થયા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને કથાના આયોજકોને જાણ કર્યા વિના પોતાનો નિર્ણય રદ કર્યો અને કથાને લગતા હોર્ડિંગ્સ હટાવવાનું શરૂ કરી દીધું છે.
16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ભાગવત સપ્તાહ
સુરતના ખરવાસા ગામમાં 16મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાનું ભાગવત સપ્તાહ ચાલી રહ્યું છે. આ ભાગવત સપ્તાહના આયોજકો સુનીલ પાટીલ અને સમ્રાટ પાટીલ છે. જેઓ વ્યવસાયે કાપડના વેપારી છે અને ભાજપ સાથે પણ જોડાયેલા છે. આ બંને ભાઈઓ સાથે ભાજપના કાઉન્સિલર અને સુરત મહાનગર પાલિકાના ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠે પણ આ કથા કાર્યક્રમમાં સહ-સંયોજક છે.
સોમનાથ મરાઠેની ભલામણને આધારે સુરત મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બોર્ડની બેઠકમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથાને લઈને સુરત શહેરમાં 80 સ્થળોએ વિનામૂલ્યે હોર્ડિંગ્સ લગાવવાની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. કથાના આયોજકોએ શહેરમાં અલગ-અલગ 80 સ્થળોએ હોર્ડિંગ્સ લગાવ્યાં હતા અને પ્રચાર પ્રસાર કર્યા બાદ 16 જાન્યુઆરીથી કથા શરૂ થઈ છે અને 22 જાન્યુઆરી સુધી ચાલશે. હવે અચાનક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આયોજકોને જાણ કર્યા વિના 80 જગ્યાએ હોર્ડિંગ્સ લગાવવાનો આદેશ રદ કર્યો છે. સુરત મહાનગરપાલિકાએ શહેરમાં અલગ-અલગ 80 જગ્યાએથી પંડિત પ્રદીપ મિશ્રાની કથાને લગતા હોર્ડિંગ્સ હટાવવાનું શરૂ કર્યું છે.
સોમનાથભાઈ મરાઠેએ જણાવ્યું કે તેમની ભલામણના આધારે સુરત મહાનગરપાલિકામાં 80 જગ્યાએ હોર્ડિંગ્સ લગાવવાની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. હવે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તેનો ઓર્ડર રદ કર્યો છે અને મહાનગરપાલિકાએ તેમને આ અંગે જાણ કરી નથી. સુરત મહાનગર પાલિકા પંડિત પ્રદીપ મિશ્રાની શિવ કથાના હોર્ડિંગ્સ હટાવવાનું કામ ભાજપના આંતરિક રાજકારણ મુજબ કરી રહી હોવાનું મનાય છે.પરંતુ આ બાબતે કોઈ ખુલીને બોલવા તૈયાર નથી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/