કોર્પોરેશનનો મોનસૂન પ્લાન નિષ્ફળ દેખાઇ રહ્યો છે
સુરતઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતા શહેરભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થતા, જનજીવન પર તેની અસર દેખાઈ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના પહેલા જ ધોધમાર વરસાદમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
શહેરના લગભગ તમામ વિસ્તારોમાં આ જ પાણી ભરાવવાની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મોરાભાગળ જેવા વિસ્તારોમાં વધારે પાણી ભરાયા છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓ પર પાણી નહીં ભરાયાની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ વર્તમાન સ્થિતિ પાછલા વર્ષો જેવી જ છે. સતત વરસાદ આવતા હવે કોર્પોરેશનની ટીમને પણ અલગ અલગ વિસ્તારોમાં પાણીના ભરાવાને દૂર કરવા માટે કામે લાગવાની ફરજ પડી છે. વરસાદને કારણે કતારગામ, સિંગણપોર ચાર રસ્તા, વરાછા, ઉધના ત્રણ રસ્તા અને પાંડેસરાના કેટલાક વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો શરૂ થયો છે.