+

સુરતના નબીરા જૈનમ શાહની ધરપકડ બાદ કેસમાં મોટો વળાંક, પિતાએ કરી ચોંકાવનારી કબૂલાત

સુરતઃ વેસુ વિસ્તારમાં ઉદ્યોગપતિ સમીર શાહની બર્થડે પાર્ટી દરમિયાન દારૂ મળવો અને ત્યારબાદ નબીરા જૈનમ શાહ દ્વારા પીએસઆઈ સાથે થયેલી ઝપાઝપીનો મામલો ચર્ચામાં છે. પોલીસે સતત બે નોટિસ બાદ ભાઈબીજના દિવસે

સુરતઃ વેસુ વિસ્તારમાં ઉદ્યોગપતિ સમીર શાહની બર્થડે પાર્ટી દરમિયાન દારૂ મળવો અને ત્યારબાદ નબીરા જૈનમ શાહ દ્વારા પીએસઆઈ સાથે થયેલી ઝપાઝપીનો મામલો ચર્ચામાં છે. પોલીસે સતત બે નોટિસ બાદ ભાઈબીજના દિવસે મોડી રાત્રે જૈનમ સમીર શાહની ધરપકડ કરી હતી, જેની સામે સરકારી કામમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે. જો કે, હવે આ કેસમાં દારૂ- બિયર ક્યાંથી આવ્યાં તે મુદ્દે પિતાનું નિવેદન તપાસની દિશા બદલી રહ્યું છે.

આ વિવાદની શરૂઆત વેસુની કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરેલી કારમાંથી થર્મોકોલના બોક્સમાં ઠંડા કરવા મૂકેલા 9 બિયર ટીન મળી આવવાથી થઈ હતી. પોલીસે આ મામલે જૈનમના પિતા અને ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહનું નિવેદન નોંધ્યું છે. સમીર શાહે પોલીસને જણાવ્યું કે, હું જન્મદિવસના દિવસે એટલે કે 16મી તારીખે સવારે બિયર લેવા માટે દમણ ગયો હતો અને ત્યાંથી બિયરના ટીન પાર્ટી માટે લઈને આવ્યો હતો.

સમીર શાહની આ કબૂલાત પર પોલીસને ગંભીર શંકા છે. દમણથી દારૂ લાવીને પાર્ટીમાં ઉપયોગ કરવાની વાત મૂળ સપ્લાયરને બચાવવા માટે કરવામાં આવી રહી હોવાની આશંકા છે.

બીજી તરફ, પીએસઆઈ સાથે ઝપાઝપીના કેસમાં પોલીસે ધરપકડ કર્યા બાદ શુક્રવારે સવારે જૈનમ શાહને બુટ-ચંપલ વગર જ ઘટનાસ્થળે લઈ જઈને રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. જૈનમે તેના નિવેદનમાં જણાવ્યું કે, કાર લઈને બહાર નીકળતી વખતે કોઈએ તેનો ફોટો પાડ્યો, જેના કારણે ગુસ્સે થઈને તેણે યુવક સાથે અને બાદમાં પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.

પોલીસ સાથેની ઝપાઝપીનો વીડિયો વાયરલ થયા બાદ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો અને ત્રણ દિવસ પછી ગુનો દાખલ થયો હતો. પોલીસે જૈનમની લક્ઝુરિયસ કાર જપ્ત કરી છે, હાલમાં પિતા-પુત્રના નિવેદનોને આધારે દારૂના સમગ્ર નેટવર્કની સાચી હકીકત બહાર લાવવા માટે પોલીસ તપાસ કરી રહી છે. 

facebook twitter