સુરતના શૈલેષ કળથિયાના પુત્રએ સનસનીખેજ ઘટનાનું કર્યું વર્ણન, વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે
સુરતઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા હતાં. તેમાં એક સુરતના શૈલેષ કળથિયા પણ હતા. તેઓ પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા. આજે તેમની અંતિમયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઘટના અંગે શૈલેષ કળથિયાના પુત્રએ મીડિયા સાથે વાત કરી હતી.
શૈલેષ કળથિયાના પુત્ર નક્ષે હુમલો થયો ત્યારની સ્થિતિનું વર્ણન કરતા કહ્યું કે કાશ્મીર તો ખૂબ સારું છે. પહેલગામમાં ઘોડા ઉપર જવાનું હોય છે અમે લોકો ત્યાં ઘોડા ઉપર સવાર હતા અને જઈ રહ્યા હતા. 10 મીનિટ બાદ આતંકવાદીઓ આવી ગયા અમે બધા સંતાઈ ગયા હતા. આતંકવાદીઓએ અમને શોધી લીધા અમે બે આતંકવાદીઓને જોયા હતા. તેમણે કહ્યું કે જે હિન્દુ છે તે અલગ થઈ જાવ, જે મુસ્લિમ છે તે અલગ થઈ જાવ. ત્યારબાદ તેમણે કલમા બોલાવ્યા હતા. જેની ઓળખ મુસ્લિમ તરીકે થઈ તેમને છોડી દીધા અને જે હિન્દુ હતા તેમને ગોળી મારવાનું શરૂ કરી દીધું હતું. પછી એ લોકો ત્યાંથી જતા રહ્યા.
અમને બધાને ભાગી જવા માટે કહેવામાં આવ્યું. મને ઘોડા ઉપર બેસાડી દીધો હતો અને મારી બહેન અને મમ્મી નીચે ચાલતા ચાલતા આવ્યા. એક સમયે તેવું લાગ્યું કે હવે અમારું મોત નિશ્ચિત છે.મારી મમ્મી મારા પપ્પાને છોડતી ન હતી પણ અમારા કારણે તેમણે અમારી સાથે આવવું પડ્યું. ઘટના થઈ તે સમય અમે 20 - 30 લોકો હતા. આટલી મોટી ઘટના બની આર્મીને કંઈ ખબર જ ન હતી. નીચે આખો આર્મીનો બેઝ હતો.
