સુરતઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું વેચાણ અને સેવન કરવામાં આવી રહ્યું છે. સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં તૈનાત સબ ઇન્સ્પેક્ટર અશોક પટેલ પોતે દારૂના નશામાં હતા અને અહીં લોકો સાથે ગુંડાગીરી કરતા જોવા મળ્યાં હતા. જ્યારે સ્થાનિક લોકોએ તેમની હરકતનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેથી મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
આ વીડિયો સુરતના હિદાયત નગર પોલીસ ચોકીનો છે. જેમાં સબ ઈન્સ્પેક્ટર અશોક પટેલની કારની અંદર દારૂની બોટલો સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘટના ત્યારે સામે આવી જ્યારે સ્થાનિક યુવકે અશોક પટેલને કાર હટાવવા કહ્યું હતુ, પરંતુ તેમણે ના પાડતા વિવાદ વધતાં મામલો રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો, પછી બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું.
સમાધાન પહેલા જ સ્થાનિક લોકોએ સબ ઈન્સ્પેક્ટરની કારની તલાશી લીધી હતી, જેમાં દારૂની બોટલો અને ગ્લાસ મળી આવ્યાં હતા. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યારે અશોક પટેલને ખબર પડી કે તેમની પોલ ખુલી ગઇ છે ત્યારે તેમણે કાર છોડીને ઓટોમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
મોબાઈલમાં વીડિયો બનાવતા સ્થાનિક લોકો તેમની પાછળ દોડ્યાં હતા. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે આ મામલે તપાસ હાથ ધરી હતી અને મેડિકલ ટેસ્ટમાં તેમને દારૂ પીધો હોવાની પુષ્ટિ થતાં અશોક પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/