અમદાવાદઃ જીએસટીની ચોરી અટકાવવા માટે ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ સતત કાર્યરત રહે છે. આજે ફરીથી કરોડો રૂપિયાની જીએસટી ચોરી ઝડપી પાડવામાં આવી છે, અમદાવાદમાં બેટરીના ધંધા સાથે સંકળાયેલા 2 વેપારીઓ, ડાંગના વઘઈ ખાતે તમાકુના 4 વેપારીઓ અને નડીયાદમાં સલુન ધારકને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતા.
નડીયાદ ખાતે સલુનમાં તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પેઢી દ્વારા વેચાણો છુપાવી, પત્રકે ઓછો વેરો ભરીને કરચોરી કરવામાં આવતી હતી. વેપારી કંપોઝીશન સ્કીમ હેઠળ હોવા છતાં ગ્રાહકો પાસે અલગથી વેરો ઉઘરાવી કંપોઝીશન સ્કીમની શરતોનો ભંગ કરીને અને વેચાણો છુપાવીને રૂ. 3.53 લાખથી વધુની કરચોરી કરી હતી.
અમદાવાદ ખાતે બેટરીના વેપારીઓની તપાસ દરમિયાન ધ્યાને આવેલું કે આવી પેઢીઓ દ્વારા બેટરીઓ ઇમ્પોર્ટ કરીને સ્થાનિક વેચાણ કરવામાં આવે છે. જેમાં કેટલોક માલ બિલ વિના વેચીને કરચોરી કરવામાં આવે છે. તપાસમાં મોટા પ્રમાણમાં બિન-નોંધાયેલો સ્ટોક તથા બિન-નોંધાયેલ વેચાણો મળી આવ્યાં હતા. દરમિયાન 92 લાખ રૂપિયા જેટલી કરચોરી સામે આવી છે.
ડાંગ જિલ્લાના વઘઈ ખાતે તમાકુ ઉત્પાદનો ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા કુલ 4 વેપારીઓને ત્યાં તપાસમાં મોટા પ્રમાણમાં બિન-નોંધાયેલ સ્ટોક તથા બિન-નોંધાયેલ વેચાણો મળી આવેલા છે. જેમા અંદાજિત 2.08 કરોડ રુપિયાની કરચોરી મળી આવેલ છે. આમ કુલ 3.54 કરોડની કરચોરી ઝડપી લેવામાં આવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++