લંડનઃ T- 20 વર્લ્ડકપની તૈયારી માટે આયર્લેન્ડ પહોંચેલી પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. યજમાન આયર્લેન્ડે પ્રથમ T-20 મેચમાં પાકિસ્તાનને હરાવ્યું છે. 55 બોલમાં 77 રનની ઇનિંગ રમનાર એન્ડી બલબિર્નીને પ્લેયર ઓફ ધ મેચની ટ્રોફી આપવામાં આવી છે. આ સાથે આયર્લેન્ડે 3 મેચની T20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.
આયર્લેન્ડે પ્રથમ T-20 મેચમાં એક બોલ બાકી રહેતા પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું. ડબલિનમાં રમાયેલી પ્રથમ T-20 મેચમાં પાકિસ્તાનનાં ઘણા ખેલાડીઓ ભારે ફ્લોપ સાબિત થયા હતા. તેનાથી પાકિસ્તાની પસંદગીકારો પરેશાન થઈ શકે છે, જેમણે આ શ્રેણી પછી વર્લ્ડકપ માટે ટીમની પસંદગી કરવાની છે. પાકિસ્તાન એ ચાર ટીમોમાં સામેલ છે જેણે વેસ્ટ ઈન્ડિઝ-અમેરિકામાં યોજાનાર T-20 વર્લ્ડકપ માટે હજુ સુધી પોતાના 15 ખેલાડીઓની પસંદગી કરી નથી.
પાકિસ્તાને શુક્રવારે આયર્લેન્ડ સામેની પ્રથમ T-20 મેચમાં 6 વિકેટે 182 રન બનાવ્યાં હતા. તેની તરફથી કેપ્ટન બાબર આઝમે સૌથી વધુ 57 રન (43 બોલમાં) બનાવ્યાં હતા. ઓપનર સૈમ અયુબે 29 બોલમાં 45 રન બનાવ્યાં હતા. આ બંનેની મદદથી પાકિસ્તાને એક સમયે 2 વિકેટે 116 રન બનાવી લીધા હતા. પરંતુ આ પછી પાકિસ્તાને ઝડપથી 3 વિકેટ ગુમાવી દીધી અને સ્કોર 5 વિકેટે 123 રન થઈ ગયો. આઝમ ખાન અને શાદાબ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
સાતમા નંબર પર બેટિંગ કરવા આવેલા ઈફ્તિખાર અહેમદે 15 બોલમાં 37 રન બનાવીને પોતાની ટીમની કમાન સંભાળી હતી.તેણે ફખર ઝમાન (20) અને શાહીન શાહ આફ્રિદી (14) સાથે મળીને પાકિસ્તાનને 182ના સ્કોર સુધી પહોંચાડ્યું. 183 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે આયર્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. તેણે પોતાની પ્રથમ 2 વિકેટ માત્ર 27 રનમાં ગુમાવી દીધી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526