મનરેગા કૌભાંડને લઇને સીબીઆઇ તપાસની માંગ કરાઇ
ભાવનગરઃ શહેર અને જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખોનો રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહ યોજાયો હતો. સમારોહમાં શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમને ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોઈ દિવસ ત્રીજો પક્ષ ચાલ્યો નથી અને ચાલશે પણ નહી.વિસાવદર બેઠક પર આપના ગોપાલ ઇટાલિયાની જીત બાદ ગોહિલ પ્રહાર કર્યાં હતા. મનરેગા કૌભાંડને લઈને શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું કે આ કેસની હાઇકોર્ટના જજ અને સીબીઆઇ દ્વારા તપાસ કરાવવામાં આવે અને જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ સીટ જીતી શકી નથી. વિસાવદરમાં આમ આદમી પાર્ટી તથા કડીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા હતા. પેટા ચૂંટણીમાં હાર બાદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું.