દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડાને કારણે મોટું નુકસાન, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનામાં બે લોકોનાં મોત

11:05 AM May 11, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો સામનો કરી રહેલા દિલ્હી-NCRમાં શુક્રવારે સાંજે જોરદાર વાવાઝોડું અને વરસાદ પડ્યો હતો. ધૂળની ડમરીના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થતાં છ લોકો ઘાયલ થયા હતા અને બે લોકોનાં મોત થયા હતા. ઘણી જગ્યાએ ઇમારતોને નુકસાન થયું હતું, જેમાં 17 લોકો ઘાયલ થયા હતા.

સાઈન બોર્ડ એમ્બ્યુલન્સ પર પડ્યું હતું

પશ્ચિમ દિલ્હીમાં જોરદાર તોફાન પછી દ્વારકા વળાંક પર એમ્બ્યુલન્સ પર એક સાઇન બોર્ડ પડ્યું હતું. આ સાઈન બોર્ડને કારણે કેટલાક નાના વાહનો પણ અથડાયા હતા. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ઘટના બાદ તરત જ દર્દીને અન્ય વાહનમાં હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જોરદાર પવનને કારણે નોઈડાના સેક્ટર 58માં એક ઈમારતના સમારકામ માટે લગાવવામાં આવેલ શટરિંગ તૂટી પડ્યું, જેના કારણે અનેક કારોને નુકસાન થયું હતું.

આજે અને આવતીકાલે હળવા વરસાદની શક્યતા છે

દિલ્હીમાં શનિવાર અને રવિવારે વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. શનિવારે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ધૂળનું તોફાન રહેશે. તેમજ હળવા વરસાદની સંભાવના છે. જેના કારણે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. જો કે લઘુત્તમ તાપમાન પણ વધીને 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે. જો વરસાદ પડે તો તે મે મહિનાનું પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526