કોંગો: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને રવાન્ડા વચ્ચેનો સંઘર્ષ વધી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે રવાન્ડા સમર્થિત M23 બળવાખોર જૂથે પૂર્વ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના દક્ષિણ કિવુ પ્રાંતમાં હુમલાઓ તીવ્ર બનાવી દીધા છે. છેલ્લા થોડા જ દિવસોમાં 400 થી વધુ નાગરિકો માર્યા ગયા છે. ગયા અઠવાડિયે કોંગો અને રવાન્ડાના રાષ્ટ્રપતિ દ્વારા વોશિંગ્ટનમાં અમેરિકાની મધ્યસ્થી હેઠળ શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા હોવા છતાં વધુ એક હુમલો થયો છે.
ટ્રમ્પનો કરાર તૂટી ગયો
દક્ષિણ કિવુ સરકારના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું કે ગયા અઠવાડિયે જ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં કોંગો અને રવાન્ડા વચ્ચે એક કરાર કરાવ્યો હતો. પરંતુ હવે તે તૂટી ગયો છે. કારણ કે M23 કરારમાં શામેલ ન હતા. બળવાખોર જૂથ કોંગો સાથે અલગથી વાતચીત કરી રહ્યું છે. બંને પક્ષો એકબીજા પર આ વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલા યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવી રહ્યાં છે. ઉવીરા અને પ્રાંતીય રાજધાની બુકાવુ વચ્ચેના વિસ્તારોમાં ગોળીબાર, ગ્રેનેડ અને બોમ્બ વિસ્ફોટમાં 413 થી વધુ નાગરિકો માર્યા ગયા છે. જેમાં ઘણી મહિલાઓ, બાળકો અને યુવાનોનો સમાવેશ થાય છે.
સંયુક્ત રાષ્ટ્રએ સંઘર્ષનો અંત લાવવાની અપીલ કરી
કિવુ સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમારી પાસે માહિતી છે કે શહેરમાં હાજર દળો રવાન્ડાના સ્પેશિયલ ફોર્સ અને તેમના કેટલાક વિદેશી ભાડૂતી સૈનિકો છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે તત્કાલ અને બિનશરતી સંઘર્ષ બંધ કરવા હાકલ કરી છે.
M23 એ અનેક કોંગો શહેરો પર કબ્જો કરી લીધો હોવાનો દાવો કર્યો
M23 એ જાહેરાત કરી કે તેણે ટાંગાનિકા તળાવના ઉત્તરીય છેડે સ્થિત મહત્વપૂર્ણ બંદર શહેર ઉવીરા પર કબ્જો કરી લીધો છે. કોંગો, યુએસ અને યુએનના નિષ્ણાતો રવાન્ડા પર M23 ને ટેકો આપવાનો આરોપ લગાવી રહ્યાં છે. 2021 માં જૂથમાં 100 સભ્યો હતા, હવે, યુએન અનુસાર, તેની પાસે લગભગ 6,500 લડવૈયાઓ છે. રવાન્ડાએ આ આરોપોને નકાર્યા છે, પરંતુ ગયા વર્ષે પૂર્વી કોંગોમાં તેના સૈનિકો અને મિસાઇલ સિસ્ટમ્સની હાજરી સ્વીકારી હતી. યુએનના નિષ્ણાતોનો અંદાજ છે કે કોંગોમાં 4,000 રવાન્ડા સૈનિકો છે.
કોંગોમાં 100 થી વધુ સશસ્ત્ર જૂથો સક્રિય
રવાન્ડા સરહદ નજીક, ખનિજ સમૃદ્ધ પૂર્વીય કોંગોમાં 100 થી વધુ સશસ્ત્ર જૂથો સક્રિય છે, જેમાં M23 સૌથી અગ્રણી છે. યુએન શરણાર્થી એજન્સી અનુસાર ઘર્ષણથી લાખો લોકો બેઘર થયા છે. ઘણા નાગરિકો બુરુન્ડી ભાગી ગયા છે, બુરુન્ડી સરહદ પર રુગોમ્બો શહેરમાં પણ ગોળીબારના અહેવાલો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/