અમદાવાદમાં 7 જુલાઈના રોજ નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, ગૃહ રાજ્યમંત્રીએ સુરક્ષાની સમીક્ષા કરી

11:24 AM Jun 21, 2024 | gujaratpost

અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રા 7મી જુલાઈના રોજ ધામધૂમથી નીકળશે. 147મી રથયાત્રાને લઈને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર પહોંચ્યાં હતા. ભગવાન જગન્નાથના દર્શન કર્યાં બાદ સંઘવીએ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, અમદાવાદ પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને રથયાત્રાની તૈયારીઓની માહિતી મેળવી હતી.

ભગવાન જગન્નાથની રથયાત્રાની જવાબદારી દરેકની છે

જમાલપુરમાં ભગવાન જગન્નાથ મંદિરે પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રથયાત્રા એ અમદાવાદનું ગૌરવ અને ઓળખ છે. તમામ સમાજો અને તમામ લોકો માટે આસ્થાના કેન્દ્રની જેમ ભગવાન જગન્નાથની રથયાત્રા માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ઉત્સાહનો તહેવાર છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, સમયની સાથે અપગ્રેડ થતી ટેક્નોલોજીનો ઉપયોગ રથયાત્રામાં કરવામાં આવ્યો છે. તમામ સમાજના લોકો સાથે મળીને ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢશે અને આ તમામ લોકોની જવાબદારી પણ છે.

રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહે છે. મુખ્યમંત્રીએ રથ ખેંચીને યાત્રાનો પ્રારંભ કરાવે છે. અમદાવાદ શહેરમાં 18 કિલોમીટરના રૂટ પર રથયાત્રા શરૂ થાય છે. ઘણા વર્ષોથી આ દિવસે સવારે 4 કલાકે ગૃહમંત્રી અમિત શાહ ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં હાજરી આપીને ભગવાન જગન્નાથના આશીર્વાદ લે છે, ત્યારબાદ સવારે 6.30 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે  રથયાત્રા શરુ થશે.

કડક સુરક્ષા વચ્ચે રથયાત્રા નીકળશે

રથયાત્રા અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું કે રથયાત્રા સંદર્ભે સુરક્ષાની તૈયારીઓ અંગે ગૃહ રાજ્યમંત્રીને જાણ કરવામાં આવી છે. રથયાત્રાને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી છે. અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના 18 કિલોમીટરના રૂટ દરમિયાન કેટલાક સંવેદનશીલ વિસ્તારોને ધ્યાનમાં રાખીને 25 હજાર પોલીસકર્મીઓ ઉપરાંત CRP, RAF સહિતના કેન્દ્રીય સુરક્ષા દળોને પણ તૈનાત કરવામાં આવી રહ્યાં છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વખતે 3 હજારથી વધુ સીસીટીવીની મદદથી સર્વેલન્સ રાખવામાં આવશે. ટ્રાફિક પોલીસકર્મીઓને 600 બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે. 10 ડ્રોનની મદદથી સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવશે. આ સાથે હેલિકોપ્ટર દ્વારા હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવશે. રથયાત્રાના રૂટ પર 15 મૂવિંગ કેમેરા પણ ગોઠવવામાં આવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526