સાણંદની કાયાપલટના ખરા શિલ્પી છે રતન ટાટા
સાણંદમાં ટાટા પ્લાન્ટને કારણે જમીનોના ભાવ કરોડો રૂપિયા થઇ ગયા હતા
Ratan Tata Death: રતન ટાટાના નિધન પર દેશભરમાં શોકની લહેર છે. તેમણે 86 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વર્ષ 2008માં ટાટા જૂથ પશ્ચિમ બંગાળના સિંગુરમાં પ્લાન્ટ નાખવા માંગતું હતું, પરંતુ મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસની આગેવાની હેઠળ આ પ્લાન્ટ વિરુદ્ધ હિંસક આંદોલન શરૂ થતા ટાટાએ પોતાની યોજના પડતી મુકવી પડી હતી.
તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટાટા મોટર્સને નેનો પ્લાન્ટ માટે જમીન ઑફર કરી અને ટાટાએ ઑફર સ્વીકારી હતી.ઑક્ટોબરમાં 2008માં નરેન્દ્ર મોદીએ રતન ટાટાને એક એસએમએસ મોકલીને આમંત્રિત કર્યા હતા તેમ કહેવાય છે. ઉપરાંત કંપનીને સ્પેશિયલ ઑફર અને બીજા વિશેષાધિકાર પણ આપવામાં આવ્યાં હતા.
ટચુકડા કદની નેનો એ ટાટા જૂથના ભૂતપૂર્વ ચેરમૅન રતન ટાટાનું સ્વપ્ન હતું, જેઓ દેશમાં ટુ-વ્હિલર પર પરિવારજનોને લઈને ફરતા મધ્યમવર્ગને એક સુરક્ષિત અને પરવડે તેવી કાર પૂરી પાડવા માંગતા હતા. પરંતુ પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ટાટા વિરોધી ખેડૂત આંદોલન વખતે પોલીસ ગોળીબારમાં 14 લોકોનાં મોત થયા અને ઑક્ટોબર 2008માં ટાટાએ પશ્ચિમ બંગાળમાંથી પ્રોજેક્ટ પડતો મુકી ગુજરાત આવવાનું નક્કી કર્યું હતું.
શરૂઆતમાં સાણંદમાં પણ જમીન સંપાદન અંગે વિરોધના સૂર ઊઠ્યાં હતા. પરંતુ રાજ્ય સરકારે કોઈ અવરોધ પેદા થવા દીધો ન હતો. 2010 માં સાણંદ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થઈ ગયું હતું. ટાટાના પ્રોજેક્ટને કોઈ અડચણ ન નડે તે માટે તમામ જરૂરી મંજૂરીઓ ઝડપથી આપવા સરકારે એક ઉચ્ચ સ્તરીય સમિતિ પણ નિયુક્ત કરી હતી.તે સમયે સાણંદ આસપાસની જમીનોના ભાવમાં રાતોરાત ઉછાળો આવ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526