રાજકોટ: શહેરના મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે થયેલા સામ-સામે ફાયરિંગના હાઈ-પ્રોફાઇલ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પેંડા ગેંગ અને મુરથા ગેંગના મુખ્ય આરોપીઓની ધરપકડ બાદ હવે પોલીસે તેમને મદદ કરનાર વધુ બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ફાયરિંગની ઘટના બાદ પેંડા ગેંગના આરોપીઓને આશરો આપનાર કમલેશ મેતા અને ભરત ડાભી નામના વધુ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ બંનેએ આરોપીઓને સમઢિયાળા ગામે આશરો આપ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેમની આકરી પૂછપરછ શરૂ કરી છે.
મંગળવારની મધરાત્રે મંગળા રોડ પર પેંડા ગેંગના ભયલુ ગઢવી સહિતની ટોળકીએ જંગલેશ્વરની મુરથા ગેંગ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું, જેના જવાબમાં સામેથી મુરથા અને સંજલાએ પણ ફાયરિંગ કર્યું હતું. એ-ડિવિઝન પોલીસે બંને જૂથના 11થી વધુ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીના પીઆઈ જાડેજા સહિતના સ્ટાફે ભયલુ ઉર્ફે જીતેશ દિનેશભાઈ રાબા સહિત પેંડા ગેંગના સાત શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી કાર અને બે દેશી બનાવટની પિસ્તોલ કબજે કરવામાં આવી હતી.
પોલીસે આ આરોપીઓનું ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન કરાવીને સરઘસ પણ કાઢ્યું હતું. સામા પક્ષે પોલીસે સૂત્રધાર અમન ઉર્ફે મુરથો અલ્તાફ પીપરવાડીયા, અબ્દુલા ઉર્ફે દુલીયો ઘાડા અને સોહેલ ઉર્ફે સાહીલ દીવાનની ધરપકડ કરી હતી. તેમને મંગળા રોડ પર ઘટનાસ્થળે લઈ જઈ લોકો સામે હાથ જોડાવી માફી મંગાવવામાં આવી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++