Rajkot Crime News: રાજકોટના લોધીકા તાલુકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળાના ધોરણ -11ના વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવીને જીવન ટૂકાવી દીધું છે. વિદ્યાર્થીએ આપઘાત પહેલા વીડિયો ઉતારીને શિક્ષકોના દબાણના કારણે આ પ્રકારનું પગલુ ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ સાથે એક નોટ પણ વિદ્યાર્થીએ લખી હતી. જેમાં શિક્ષિકા મોસમીબહેન, વિભુતિબહેન અને શિક્ષક સચિનભાઈ ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા છે. વિદ્યાર્થીએ આપઘાત પહેલા રડતા-રડતા વીડિયો ઉતારીને આપવીતી જણાવી હતી. આ સાથે તેને આ પગલું ભરવાને લઈને માતા-પિતાની માફી માગી હતી.
વિદ્યાર્થીએ લખેલી સ્યૂસાઇડ નોટ મુજબ, આઈ લવ યુ મોમ, આઈ લવ યુ પાપા...મમ્મી અને પપ્પા મારો કોઈ વાંક ન હતો. તો પણ મારી ટીચરે મારી સાથે…. મેં સાબિત કરીને બતાવ્યું કે પેપર મેં નથી લખ્યું તો પણ તેમણે પોલીસની ધમકી આપી અને મારા પેપરમાં ચોકડા માર્યાં. આવું પહેલીવાર નથી કર્યું. કાલે મેં તેમના હાથમાં પેપર આપ્યું હતું ત્યારે પણ તેમણે મને પોલીસની ધમકી આપી હતી. પેપરમાં બધું સાચું લખ્યું હતું તો પણ કોઈની સાથે ન કર્યું અને મારી સાથે જ આવું કર્યું.
મમ્મી મેં આજે આ પગલું ભર્યું ન હોત તો સોમવારે હું પોલીસ સ્ટેશનમાં હોત. એટલે મેં આ પગલું ભર્યું છે. જો મમ્મી હું સાચું કહું છું, મારા સમ ખાઈને કહું છું કે પેપર મેં નથી લખ્યું. મેં સરને ખુબ સમજાવ્યાં, પણ તેમણે મારા પર પોલીસ કેસ કરવાનો છે એમ કહ્યું તેથી મેં આ પગલું ભર્યું છે.
મમ્મી મારા ભાઈબંધ સાથે પણ એકમ કસોટીમાં આવું કર્યું હતું, પણ આમાં સોલંકીસર મારી સાથે હતા. પણ મોસમી મેડમ, સચિનસર અને વિભૂતિ મેડમે જ મારી સાથે આવું કર્યું. આઈ લવ યુ મોમ એન્ડ પાપા એન્ડ ધવલ માય પરિવાર… બધા ખુશ રહેજો. તારો દિકરો ધ્રુવિલ... મારા ગુરુ સોલંકી સર છે, તેમણે મારો સાથ આપ્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526