રાજકોટ: શહેર ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમા ભાલિયા હાલ એક વાયરલ વીડિયોને લઈને વિવાદોમાં અને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં સોમા ભાલિયા માતાજીના માંડવામાં ભુવાઓની હાજરીમાં ધૂણતા અને પોતાની પીઠ પર સાંકળના પ્રહાર ઝીલતા જોવા મળી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં ભાજપના નેતા સોમા ભાલિયા પૂર્ણ આસ્થા સાથે માતાજીના માંડવામાં ધૂણી રહ્યાં છે. આ દ્રશ્યો સામે આવ્યાં બાદ શહેરમાં ચર્ચાઓનું બજાર ગરમ થયું છે. કેટલાક લોકો તેને પવિત્ર શ્રદ્ધા અને ભક્તિ ગણાવી રહ્યાં છે, જ્યારે કેટલાક લોકો જાહેર જીવનમાં પદ પર રહેલી વ્યક્તિ દ્વારા અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાનું માની રહ્યાં છે.
વીડિયો વાયરલ થયા બાદ સોમા ભાલિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આ વીડિયો ઘણો જૂનો છે. માતાજીમાં મારી અતૂટ શ્રદ્ધા છે અને આ મારી વ્યક્તિગત આસ્થાનો વિષય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોઈ હિતશત્રુઓ દ્વારા તેમને બદનામ કરવા માટે અત્યારે આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જોકે, જાહેર જીવનમાં આવું વર્તન કેટલું યોગ્ય તે સવાલ પર તેમણે મૌન સેવ્યું હતું.
આ મામલે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કામ કરતી સંસ્થા વિજ્ઞાન જાથાએ આકરી પ્રતિક્રિયા આપી છે. વિજ્ઞાન જાથાએ જણાવ્યું છે કે, રાજકીય નેતાઓએ સમાજમાં અંધશ્રદ્ધા ફેલાય તેવું વર્તન કરવું જોઈએ નહીં.ભુવા-ભરાડી જેવી પ્રવૃત્તિઓને સમર્થન આપવું એ લોકશાહી અને આધુનિક સમાજ માટે યોગ્ય નથી.
નોંધનીય છે કે રાજકોટમાં નેતાઓ દ્વારા આ પ્રકારે ધૂણવાના કિસ્સાઓ નવા નથી. અગાઉ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના પણ માતાજીના માંડવામાં ધૂણતા વીડિયો વાયરલ થયા હતા, જેને લઈને પણ મોટો વિવાદ છેડાયો હતો.