નેપાળમાં આકાશમાંથી વરસી આફત, 39 લોકોનાં મોત, અનેક જિલ્લાઓમાં પૂરના કારણે 11 લોકો લાપતા

10:10 PM Sep 28, 2024 | gujaratpost

કાઠમંડુઃ નેપાળમાં સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર આવ્યું છે. પૂરના કારણે 39 લોકોનાં મોત થયા છે. નેપાળના ઘણા ભાગોમાં શુક્રવારથી વરસાદ પડી રહ્યો છે. ડિઝાસ્ટર અધિકારીઓએ નેપાળના ઘણા જિલ્લાઓમાં ચેતવણી આપી છે.

રાજધાની કાઠમંડુમાં 9 લોકોનાં મોત

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, કાઠમંડુમાં 9, લલિતપુરમાં 16, ભક્તપુરમાં 5, કાવેરપાલન ચોકમાં 3, પંચથર અને ધનકુટામાં બે-બે અને ઝાપા અને ધાદિંગમાં એક-એક લોકોના મોત થયા છે. પૂરમાં કુલ 11 લોકો લાપતા છે.

કાઠમંડુમાં 226 મકાનો ડૂબી ગયા

પોલીસે જણાવ્યું કે કાઠમંડુમાં 226 મકાનો ડૂબી ગયા છે. નેપાળ પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ 3,000 સુરક્ષા કર્મચારીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે. વરસાદ વચ્ચે લોકોને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યાં છે.

ભારે વરસાદ વચ્ચે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી

નેપાળ નાગરિક ઉડ્ડયન વિભાગે શુક્રવારે દેશમાં ખરાબ હવામાનને કારણે શનિવાર સવાર સુધીની તમામ સ્થાનિક ફ્લાઇટ્સ રદ કરી હતી. નેપાળના હવામાન આગાહી વિભાગે સતત ચાર દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. નેપાળના 77માંથી 56 જિલ્લા ભારે વરસાદની ઝપેટમાં છે.

રાત્રે વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ

રેડ એલર્ટ સાથે નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) એ બે દિવસ માટે રાત્રિ દરમિયાન વાહનોની અવર જવર  સ્થગિત કરી દીધી છે. ઘણા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી જારી કરી છે. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526